અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. આવા માફિયાઓમાં અતિક અહમદનો પણ સમાવેશ થાય છે, હાલ અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદના ઈશારા ઉપર આ હત્યાને અંજામ આપવામાં આવ્યાનું ખૂલ્યું છે. જેથી અમદાવાદની સાબરમતી જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. પોલીસે હત્યારાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, તેમજ સીસીટીવી કેમેરામાં કેદ તમામ આરોપીઓને ઓળખી લેવામાં આવ્યાં છે. જેમાં અતિકના દીકરા અસદની સંડોવણી સામે આવી છે. આ ઉપરાંત અતિકની પત્ની શાઈસ્તાનો કાર ડ્રાઈવર સાબિર, ગુડ્ડૂ મુસ્લિમની સંડોવણી ખુલી છે. બંને અતિક માટે કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
ઉમેશ પાલ હત્યા પાછળ અતિક અહમદ અને તેના સાગરિતોની સંડોવણી પોલીસ માની રહી છે. રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મહત્વના સાક્ષી હતા. પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાની ઘટનાનું કાવતરુ અતિક અહમદે પ્રયાગરાજથી 1220 કિમી દુર સાબરમતી જેલમાં ઘડ્યું હતું. જો કે, ઘટનાને અંજામ બરેલી જેલમાં બંધ અશરફે આપ્યો હતો. અતિકનો ભાઈ અશરફ હાલ પ્રયાગરાજથી 447 કિમી દુર બરેલી જેલમાં સજા ભોગવી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉમેશ પાલની હત્યા માટે અશરફ જેલમાં જ શૂટરોને મળ્યો હતો. તેમજ શૂટરોની ટીમ પણ તેને જ તૈયાર કરી હતી. એલએલબીનો અભ્યાસ કરતા સદાકત અલ્હાબાદ વિશ્વવિદ્યાલયની મુસ્લિમ હોસ્ટેલમાં રહે છે. તેના રૂમમાં જ શૂટરોની મીટીંગ મળી હતી. તેમજ કાવતરાને અંજામ આપવાનું નક્કી થયું હતું.