અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પ્રદુષિત બની ગઈ છે. નદીના પટમાં ચારે તરફ જંગલી વેલ અને લીલનું સામ્રાજ્ય છવાયું છે. શહેરના સુભાષબ્રિજ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અડધો કિલોમીટર સુધીના પટ્ટામાં લીલથી ભારે દુર્ગંધ આવે છે.આ લીલથી મચ્છર, જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેથી નદીકાંઠાની આસપાસ રહેતા લોકો પર રોગચાળાનો ખતરો છવાયો છે.
અમદાવાદની સાબરમતી નદી પ્રદુષિત બની રહી હોવાની ફરિયાદો તો છેલ્લા કેટલાક સમયથી ઊઠી રહી છે. નદીમાં પાણી ભરાયેલુ રહેતું હોવાથી લીલ જામી ગઈ છે. અને કેટલીક જગ્યાએ લીલી વેલ પણ પાણીની ઉપર છવાઈ ગઈ છે. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું કે નદીની સફાઈ કામગીરી મશીનરીથી ચાલી રહી છે, જે દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહાનગરપાલિકા સફાઈના અથાગ પ્રયત્નો કરી રહ્યું છે અને તહેવારોમાં ક્યાય પણ સફાઈમાં કમી ન રહે આ માટે સફાઈકર્મીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.
સાબરમતી નદીમાં ચારે તરફ જંગલી વેલ અને લીલનું સામ્રાજ્ય છવાઈ જતા સાબરમતી નદી ફરી એક વાર પ્રદુષણનો પર્યાય બની છે. સુભાષબ્રીજ રેલ્વે ઓવરબ્રીજથી લઈને શાહીબાગ ડફનાળા સુધીમાં અડધો કિલોમીટર વિસ્તારમાં જંગલી વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે. સાબરમતી નદીના બ્યુટીફીકેશન અને સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, આમ છતાં મહાનગરપાલિકાની બેદારકારી દ્વારા ફરી લીલ જામી જાય છે. સાબરમતી નદીમાંથી લીલના નિકાલ માટે વર્ષો પહેલા લાખોના ખર્ચે મશીન વસાવવામાં આવ્યાં હતા. પરંતુ તંત્રની બેદરકારીને સાબરમતી નદી દુષિત થાય છે.