Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ 15મી જુનથી બે દિવસ લોકો માટે બંધ રહેશે

Social Share

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને લીધે કોઈ નુકશાન ન થાય તે માટે અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ દ્વારા તમામ વિભાગના અધિકારીઓ સાથે રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક કરી અને તકેદારીના ભાગરૂપે કાર્યવાહી માટેની સૂચના આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડાને પગલે 15 અને 16 જૂન બે દિવસ સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમીનાડ લોકોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે શહેરમાં જ્યાં પણ ભયજનક મકાનો, હોર્ડિંગસ તેમજ ઘટાદાર વૃક્ષો હોય તેને ઉતારી લેવાની સૂચના આપી દેવાઈ છે.

એએમસીના ડેપ્યુટી કમિશનર સી. આર. ખરસાણે જણાવ્યું કે સંભવિત વાવાઝોડા અને પગલે શહેરમાં આવેલા હોર્ડીંગસ, ભયજનક મકાનો વગેરે ઉતારી લેવા માટેની સૂચના આપવામાં આવી છે. સ્ટ્રીટલાઈટ પણ મરામતની કરવાની સૂચના આપવામાં આવી છે. પૂર્વ તૈયારીના ભાગરુપે ફાયર એન્ડ ઈમર્જન્સી વિભાગ દ્વારા 85 વુડન કટર, 65 સ્લેબ કટર, 15 ઈમર્જન્સી ટેન્ડર, 10 બોટ તૈયાર રાખવામાં આવ્યા છે. સ્ટ્રીટલાઈટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ સ્ટ્રીટલાઈટ પોલનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી કુલ 1,31,478 સ્ટ્રીટલાઈટ પોલનું ચેકીંગ પૂર્ણ કરાયું છે. જ્યારે બાકીના સ્ટ્રીટલાઈટ પોલ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. બગીચા વિભાગ દ્વારા શહેરમાં ટ્રી ટ્રીમીંગની કામગીરી દરમ્યાન સાત ઝોનમાં મળીને કુલ 988 જેટલા વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતં કે, ફાયર વિભાગની 15 જેટલી ટીમો વિવિધ અત્યાધુનિક સાધનો સાથે હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી હજી કોઈ પણ પ્રકારની સુચના આપવામાં આવી નથી. ગાંધીનગર તરફથી સૂચના મળતાની સાથે જ ટીમોને રવાના કરવામાં આવશે. જો કે હાલ તો ફાયરબ્રિગેડની ટીમોને કોઈપણ જગ્યાએ મોકલવા માટેની સૂચના આપવામાં આવી નથી. મોબાઈલ ટાવરો તેમજ ખાનગી હોડિંગ વાળા એજન્સીઓની સાથે પણ મીટીંગ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની જાનહાની ન થાય તેના તકેદારીના પગલા લેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે શહેરમાં આવેલા વિવિધ જાહેરાત હોર્ડિંગ્સ સાઈટોના સ્ટ્રક્ચરની ચકાસણી કરી ભયજનક જણાય તેવા સ્ટ્રક્ચરનું રીપેરીંગ/ઉતારી લેવાની કામગીરી હાથ ધરવા સંબંધિત એજન્સીઓને એસ્ટેટ વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. કામચલાઉ પ્રકારના હોર્ડિંગ્સ બેનર દુર કરવા સૂચના આપવામાં આવી છે. ટી.ડી.ઓ. વિભાગ દ્વારા હાલમાં ચાલુ બાંધકામની 721 કન્સ્ટ્રકશન સાઈટ ઉપર જરુરી બેરીકેટીંગ / પાલખ વિગેરે કરી સુરક્ષાને લગતી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજન્ટ વિભાગ દ્વારા ઝોનલ કંટ્રોલ રુમ દિઠ 20 સફાઈ કામદારો હાજર રાખવામાં આવશે. છે. તેમજ વાવાઝોડાની અસર બાદ ઉદભવતી પરિસ્થિતી માટે અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારોમાં પણ જરુરીયાત જણાયે પૂરા પાડવા માટે 200 સફાઈ કામદારોની ટીમનું બનાવામાં આવી છે.