જૂનાગઢ : શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં જાણીતું છે. જુનાગઢની મુલાકાતે પ્રવાસીઓ આવે ત્યારે અવશ્ય સક્કરબાગની મુલાકાત લેતા હોય છે.સિંહ દર્શનની પ્રવાસીઓને અપેક્ષા હોય છે. આ સુવિધા અગાઉ માત્ર સાસણમાં જ હતી. હવે ગિરનારમાં ઉભી કરવામાં આવી છે. પણ ત્યાં સિંહ દર્શનની ગેરંટી હોતી નથી. ત્યારે સિંહ દર્શન માટે જૂનાગઢના પૌરાણિક સક્કરબાગ ઝૂમાં બે પ્રકારે સિંહ દર્શનની સુવિધા છે. એક પાંજરામાં અને બીજી સફારી પાર્કમાં ઉપરાંત અન્ય પ્રાણીઓ, પક્ષીઓ, સહિત 800 થી વધુ પ્રાણીઓ વસવાટ કરે છે અને દર વર્ષે 12 લાખ સહેલાણીઓ ઝુની મુલાકાતે આવે છે.
શહેરના સક્કરબાગ ઝૂના આર.એફ.ઓ. નિરવ મકવાણાએ જણાવ્યું કે, સન 1863 થી નિર્માણ પામેલા સક્કર બાગ ઝૂમાં નવાબી સમયની ઈમારતનું જતન સાથે નવિનીકરણ કરાયું છે. નવા બે સેકટરમાં બનાવેલા સક્કરબાગ ઝૂમાં સફારી પાર્કની સુવિધા ઉભી કરી 84 હેકટરનો વિસ્તાર કરાયો છે. ઝૂમાં પાંજરે પુરાયેલા અને ખુલ્લામાં ફરતા બન્ને પ્રકારના સિંહો જોવાની સુવિધા છે. ઝૂમાં કેન્ટીન, બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, ગાર્ડન સહિતની સુવિધા છે. પ્રાણીઓ માટે પણ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમાં વરસાદી સીઝનમાં પીંજરામાં પાણી ન ભરાઈ તે માટે ઉંચાઈવાળા પ્લેટફોર્મ બનાવાયા છે. પાંજરા ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવી છે. ઝૂના નિયામક અભિષેકુમારએ જણાવ્યું કે, સક્કરબાગ ઝૂમાં 800 થી વધુ પ્રાણીઓ વસવાટ કરે છે. તેમાં 80 સિંહ, 70 દીપડા, ઉપરાંત હરણની વિવિધ 12 પ્રજાતિઓ વસવાટ કરે છેલ. અલાયદી હરણ પાર્ક બનાવાયો છે. તેમજ પક્ષીઓની 47 થી’ લધુ પ્રજાપતિઓ છે. આ પ્રાણીઓની સાર સંભાળ માટે ત્રણ વેટરનરી ડોકટર અને તેમની ટીમ અવિરત સેવા આપે છે. તેમજ પાંચ લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરો દ્વારા પ્રાણીઓની નિયમિત તપાસ કરવામાં આવે છે. સરકારના નિયમો મુજબ પ્રાણીઓ, પક્ષીઓને ખોરાક અપાય છે. ઝૂમાં 130 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે.