યુક્રેનમાં 20 હજાર ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતાઃ ભારત
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ભારે તણાવ ભરેલી સ્થિતિને પગલે ભારતે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. યુએનએસસીની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઈ પ્રતિનિધિ ટી.એસ.તિરૂમૂર્તિએ કહ્યું કે, યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલો તણાવ ચિંતાનો વિષય છે. વધી રહેલા ગતિરોધને પગલે શાંતિ ભંગ થવાની આશંકા છે. જેથી નાગરિકોની સુરક્ષા ખતરામાં પડી શકે છે.
તેમણે કહ્યું કે, અમે તમામ પક્ષોને સંયમ રાખવાની અપીલ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે, આ મુદ્દાનો નિકાલ માત્ર ડિપ્લોમેટિક વાતચીતના માધ્યમથી થશે. આપણે બંને પક્ષો દ્વારા તાજેતરમાં થયેલી પહેલોને જગ્યા આપવાની જરૂર છે જેથી તણાવ ઓછો થઈ જાય. આપણે તમામ પક્ષોને વધારેમાં વધારો સંયમ રાખવાની સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી માટે રાજનૈતિક પ્રયાસોને તેજ બનાવવા પ્રયાસો કરવા જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, નાગરિકોની સુરક્ષા અને બચાવ આવશ્યક છે. 20 હજારથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ વિસ્તારમાં વસવાટ કરે છે. જેમાં સરહદી વિસ્તારનો પણ સમાવેશ થાય છે. અહીં વસવાટ કરતા ભારતીયોની સરક્ષા અને ભલાઈ માટે પ્રાથમિકા છે. ભારે તણાવ ભરેલી પરિસ્થિતિને પગલે ભારતે પોતાના દેશના નાગરિકોને બિનજરૂરી યુક્રેન પ્રવાસ નહીં કરવા અપીલ પણ કરી છે.