રાજ્યમાં કરાર આધારિત નોકરી કરતા ક્લાસ-ટુ તબીબોને મહેનતાણામાં 3000નો વધારો કરાયો
ગાંધીનગરઃ રાજ્યમાં તબીબી અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ ભથ્થુ આપવાની જાહેરાત કરાયા બાદ આજે તબીબોને રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે રાજ્યના કરાર આધારિત મેડિકલ ઓફિસર્સને માટે મોટો નિર્ણય લીધો હતો.આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કરાર આધારિત વર્ગ-2ના મેડિકલ ઓફિસર્સના પગારમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સરકારની તિજોરી પર વાર્ષિક 55.53 લાખ રૂપિયાનો વધારાનો બોજો પડશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના કરાર આધારિત નિમણુંક પામેલા 1851 જેટલા વર્ગ-2ના મેડિકલ ઓફિસર ડોક્ટર્સના માસિક પગારમાં રૂ. 3000 નો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, આ પગાર વધારાની સાથે કરાર આધારિત ડોક્ટર્સને હવે રૂ. 63000 માસિક મળશે પગાર મળશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે રક્ષાબંધન પર જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુબજનું નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપવાની મંજૂરી અપાઈ છે. આજે કરાર આધારિત નોકરી કરતા તબીબોના પગારમાં રૂપિયા 3000નો વધારો કરતા તબીબોમાં આનંદની લાગણી જોવા મળી હતી.