ગાંધીનગરઃ સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ કાયમ મોડા આવતા હોય છે. કેટલાક અધિકારીઓ જ મોડા આવતા હોય તો તેમની નીચેના કર્મચારીઓને કંઈ કહી શકતા નથી. તાજેતરમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ વિભાગના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી. તે દરમિયાન કેટલાક કર્મચારીઓ કચેરીના સમયે બહાર ટહેલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી કૃષિ મંત્રીએ પરિપત્ર કર્યો છે કે જો કર્મચારી મહિનામાં બે દિવસ 10 મીનિટ મોડા પડે તેનો વાંધો નથી, પણ ત્રીજા દિવસે 10 મીનિટ મોડા પડશે તો અડધા દિવસની ગેરહાજરી પુરવામાં આવશે.
રાજ્યના પાટનગર ગણાતા ગાંધીનગરમાં નવા અને જૂના સચિવાલય તેમજ વિવિધ વિભાગોમાં કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરી સમયે અંગત કામને લઇને બહાર જતા હોય છે. આવા કર્મચારીઓ તેમના અધિકારીઓને જાણ પણ કરતા નથી. થોડા સમય પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન કેટલીક ત્રૂટીઓ ધ્યાનમાં આવી હતી. આ કર્મચારીઓ ચાલુ નોકરી દરમિયાન જ બહાર જતા રહેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી કૃષિ મંત્રીએ કર્મચારીઓ કાર્યાલયમાં રહીને અરજદારોને સમયસર મળે અને કામગીરી ઝડપી થાય તેટલા માટે કડકાઇ દાખવી છે. કૃષિ વિભાગે એક પરિપત્ર કરીને કર્મચારીઓને એવી તાકીદ કરી છે કે, કચેરીમાં આવવાનો સમય સવારે 10:30 કલાક સુધીમાં આવવા અને સાંજે 6:10 સુધી ઓફિસમાં હાજર રહેવા તાકિદ કરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં જુના સચિવાલયમાં કર્મચારીઓ ફરજ દરમિયાન ચાની કેન્ટિન કે બહાર આટાંફેરી મારા જોવા મળા હોય છે. તેમજ સાંજે ઓફિસ છોડીને સચિવાયલની બાજુમાં આવેલી માર્કેટમાં ખરીદી કરતા જતાં રહેતા હોય છે. માર્કેટમાં શાકભાજીથી લઈને જીવન-જરૂરિયાતની તમામ વસ્તુઓ મળતી હોવાથી મોટાભાગના કર્મચારીઓ ઘેર જતાં ખરીદીને જતાં હોય છે.