દિલ્હીઃ કોરોના મહામારીને પગલે ભારતીય રેલવેને પણ વ્યાપક અસર થઈ છે. અનેક મહિનાઓ સુધી રેલ વ્યવહાર બંધ રહ્યાં બાદ કેટલાક નિયંત્રણો સાથે ધીમે-ધીમે રેલ વ્યવહાર શરૂ કરાયો હતો. જેથી પેસેન્જરની આવકમાં મોટો ઘટાડો થયો છે. જો કે, વર્ષ 2020-21માં રેલવેને ભંગારના વેચાણથી રૂ. 4575 કરોડની આવક થઈ છે. આ આવક અત્યાર સુધીમાં સૌથી વધારે હોવાનું જાણવા મળે છે. રેલવેને ભંગારના વેચાણથી મળેલી આવકને કારણે રાહત મળી છે.
આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં રેલવેએ જણાવ્યું હતું કે, અગાઉ ભંગારના વેચાણની સૌથી વધુ આવક નાણાકીય વર્ષ 2010-11માં થઇ હતી. તે સમયે ભંગારના વેચાણ દ્વારા રૂ. ૪૪૦૯ કરોડ આવક થઇ હતી. ભારતીય રેલવેમાં જૂના રેલવે ટ્રેક, જૂના કોચ, જૂના લોકોમોટિવ વેચવાથી ભંગારની આવક થાય છે. નાણાકીય વર્ષ 2019-20માં રેલવેને રૂ. 4333 કરોડની આવક થઇ હતી. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 4575 કરોડની આવક થઇ છે.
રેલવેમાં તમામ હરાજીઓ અને નાણાના વ્યવહારો ઇલેક્ટ્રોનિકલી કરવામાં આવે છે. રેલવેમાં તમામ હરાજીઓ ઇ-ઓક્શન દ્વારા જ કરવામાં આવે છે. ભંગારના વેચાણની પ્રક્રિયા પણ અલગ અલગ કેટેગરીમાં કરવામાં આવે છે.
રેલવે બોર્ડેના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માટે ભંગારના વેચાણનો લક્ષ્યાંક રૂ. 4 હજાર કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ કવાર્ટરમાં કોઇ પણ પ્રકારના ભંગારનું વેચાણ શક્ય બન્યું ન હતું. છેલ્લા કવાર્ટરમાં સૌથી વધુ ભંગારનું વેચાણ થયું હતું.