અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તમામ વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. અને જુદા જુદા વિસ્તારોમાં પાણીના કનેક્શન માટેના ચાર્જ અલગ અલગ હતા. આથી શહેરભરમાં સામન દર લાગુ કરાવની માગ ઊઠી હતી. હવેથી તમામ વિસ્તારોમાં સમાન દર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેમજ પાણીના ગરકાયદે કનેક્શન પકડાશે તો રૂપિયા 1000નો દંડ ફટકારાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના બોપલ, ઘુમા, જોધપુર, સેટેલાઈટ, બોડકદેવ, થલતેજ, શીલજ સહિતના ઉત્તર-દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સમાવેશ થતા વિસ્તારોમાં હવે પાણીના કનેક્શન સરળતાથી મળી શકશે અને તેના ચાર્જ વોટર એન્ડ સુએજ કમિટીમાં નક્કી કરવામાં આવ્યા છે. શહેરના 7 ઝોનમાંથી પાંચ ઝોનમાં 22 વર્ષ પહેલાં પાણી કનેક્શનના ચાર્જ નક્કી કરવામાં આવ્યા હતા. 2006માં બનેલા નવા પશ્ચિમ ઝોન એટલે કે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ચાર્જ અલગ લેવામાં આવતા હતા. વોટર કમિટી દ્વારા શહેરમાં તમામ જગ્યાએ પાણી કનેક્શન ચાર્જ એક સરખા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી શહેરમાં પાણી કનેક્શનના વન ટાઈમ ચાર્જ ચાલી અને ઝુંપડાઓમાં રૂ. 750, ટેનામેન્ટ-રો, હાઉસ- ફ્લેટ અને બંગલાઓમાં રૂ.1000 ચાર્જ ચૂકવવાનો રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કોમર્શિયલ પ્રકારના બાંધકામોએ PRC પાણી કનેક્શન લેવાના રહેશે. જેમાં રહેઠાણમાં વધારાનું અને બિન રહેણાંક (પાણીના ડોમેસ્ટિક વપરાશ માટે)માં અડધા ઈંચ કનેક્શન માટે રૂ. 3000, રહેણાંક-બિન રહેણાંકમાં (પાણીના બાંધકામ તેમજ કોમર્શિયલ વપરાશ) પોણો ઈંચ કનેક્શનના રૂ. 6000 અને 1 ઇંચ કનેક્શનના રૂ. 12000 ચાર્જ ચુકવવાનો રહેશે. પાણીના વિતરણમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી માત્ર પાણીના કનેક્શન ચાર્જીસ જ એક સરખા કરવામાં આવ્યા છે.
વોટર એન્ડ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, શહેરના અન્ય પાંચ ઝોનમાં એક સરખા પાણીના ચાર્જ હતા. નવા પશ્ચિમ ઝોન એટલે કે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પાણી કનેક્શનના ચાર્જ અલગ હતા. જેમાં યુનિટની જગ્યાએ કારપેટ એરીયા પ્રમાણે પાણી કનેક્શનના ચાર્જ લેવામાં આવતા હતા. જ્યારે અન્ય પાંચ ઝોનમાં યુનિટ દીઠ કનેક્શન ચાર્જ લેવામા આવતા હતા. જે વિસંગતતા દૂર કરવા માટે મળેલી કમિટીમાં પાણીના કનેક્શન ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. હવેથી શહેરમાં એક સરખા પાણીના કનેક્શન ચાર્જ રહેશે અને યુનિટ દીઠ આ પાણી કનેક્શન ચાર્જ લેવાશે. યુનિટ દીઠ 700થી 1000 લિટર પાણી દરરોજ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, રહેઠાણ તથા બીન રહેઠાણ (કોમર્શીયલ) એક જ બિલ્ડીંગમાં આવેલા હોય તો બંને માટે અલગ અલગ સમ્પ બનાવી બિલ્ડીંગના વપરાશ પ્રમાણે અલગ અલગ (સામાન્ય/પી.આર.સી.) કનેકશન આપવાના રહેશે. વન ટાઇમ કનેકશન ચાર્જીસમાં મુખ્ય લાઈનમાં કનેકશન માટે કરવાના થતા હોલ માટેના ખર્ચનો સમાવેશ થયો છે. ગેરકાયદેસર કનેક્શન ધરાવનારા લોકો અને દંડની કાર્યવાહી કરવામાં આવશે જે માટે પણ દંડની રકમ નક્કી કરવામાં આવી છે, જેમાં રહેણાક વિસ્તારમાં 5000 અને કોમર્શિયલ વિસ્તારમાં રૂ. 10000નો દંડ ફટકારવામાં આવશે.