ઉત્તરાખંડની જેમ સમગ્ર દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવો જોઈએઃ CM પુષ્કરધામી
નવી દિલ્હીઃ ઉત્તરાખંડની જેમ સમગ્ર દેશમાં સમાન નાગરિક ધારો લાગુ થવો જોઈએ. તેમ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા મેનીફેસ્ટોમાં સમાન નાગરિક ધારો લાવવાનું વચન આપ્યું હતું.
ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજનપ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન થયું છે. આ સમિતિ તમામ હિતધારકો તથા જનતા સાથે સંવાદ કરીને ડ્રાફ્ટ તૈયાર કરશે ત્યારબાદ એ પ્રમાણે ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો લાગુ થઈ જશે. અમે તમામ રાજ્યોને અપીલ કરી છે કે તેઓ પણ અમારી જેમ સમાન નાગરિક ધારો લાગુ કરે.
ઉત્તરાખંડની ચૂંટણીમાં જ ભાજપે મેનીફેસ્ટોમાં વચન આપ્યું હતું કે ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો લાવવામાં આવશે. ઉત્તરાખંડમાં વિધાનસભાની કુલ 70 બેઠક છે. તેમાંથી 47 પર ભાજપ વિજેતા બન્યો હતો. સમાન નાગરિક ધારાના વચનને જબરદસ્ત જનસમર્થન મળ્યું છે. 2024 સુધીમાં કેન્દ્ર સરકાર સમસ્ત દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરી શકે છે.
(PHOTO-FILE)