Site icon Revoi.in

સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ કાર્યક્રમનો 17મી એપ્રિલે વડાપ્રધાન મોદીના હસ્તે થશે પ્રારંભ

Social Share

રાજકોટઃ રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. બન્ને પ્રદેશની સંસ્કૃતિના આદાન-પ્રદાન માટે આ કાર્યક્રમ મહત્વનો બની રહેશે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો આગામી તા.17 એપ્રિલથી યાત્રાધામ સોમનાથ ખાતે પ્રારંભ થશે તેમ રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે આ કાર્યક્રમ થકી ગુજરાત અને તમિલનાડુનું આર્થિક-સાંસ્કૃતિક ક્ષેત્રે અનોખુ સંધાન રચાશે. આ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
તેમણે વધુ જણાવ્યું હતું સૌરાષ્ટ્ર-તમિલ સંગમ  કાર્યક્રમ થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના મૂર્તિમંત થશે. તામિલનાડુના વિકાસમાં સૌરાષ્ટ્રવાસીઓનો મોટો ફાળો આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ પ્રભાસપાટણમાં યોજાશે. ત્યારબાદ રાજકોટ, દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે પણ કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ ખાતે ટેક્ષટાઈલ સેમિનાર યોજાશે. તેઓએ જણાવ્યું હતું કે તમિલનાડુમાં 25થી 30 લાખ સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરી રહ્યા છે.
તેમણે સૌરાષ્ટ્રવાસીઓને આહવાન કરતા કહ્યું હતું કે આ કાર્યક્રમમાં સરકાર તો કામ કરી જ રહી છે પરંતુ લોક ભાગીદારી પણ તેમાં ખૂબ આવશ્યક છે. દાદા સોમનાથની ધરતી પર સૌરાષ્ટ્રના આપણા ભાઈઓ- બહેનોને આવકારવા, રાજા દ્વારકાદીશની ધરતીનો તેમને ફરી અનુભવ કરાવવા, રંગીલા રાજકોટવાસીઓ- સૌરાષ્ટ્રવાસીઓને તમિલથી આવતા સૌરાષ્ટ્રવાસી ભાઈઓ-બહેનોને પોતિકાપણાનો અનુભવ કરાવી તેમને પોતાના ઘરે આવ્યાનો અનુભવ કરાવવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમની છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ પણ તાજેતરમાં તમિલનાડુના પ્રવાસે ગયા હતા. અને તમિલનાડુમાં વસવાટ કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓને પણ મળ્યા હતા, બન્ને પ્રદેશોની સંકૃતિના આદન-પ્રદાન માટે  કાર્યક્રમ મહત્વનો બની રહેશે,