અમદાવાદઃ ગુજરાતના નિકાસ ઉધોગમાં કોરોનાની સાઇડ ઇફેકટથી કન્ટેઇનરની કારમી તંગી સર્જાતા એકસપોર્ટના કરોડો રૂપિયાના બીઝનેસની સાયકલ ખોવાઈ ગઈ છે અને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. કન્ટેઇનરની અછતનો અવરોધ દૂર નહીં થાય તો ઇન્ડસ્ટ્રીઝ માટે ચિંતાનો વિષય છે. આ માટે સૌરાષ્ટ્ર્રના નિકાસકારોએ શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયા સમક્ષ રજૂઆત પણ કરી છે. જો ભારત કન્ટેઇનરમાં આત્મનિર્ભર બને તો નિકાસ ઉધોગમાં વિકાસના દરવાજા ખુલે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં વર્ષ ૨૦૧૯ –૨૦ નો વિદેશ વ્યાપાર ૮૩૮ બિલિયન ડોલર સુધી વધ્યો હતો. આ ૫.૫ ટકા જેવો વધારો વર્ષ ૨૦૦૯– ૨૦૧૦ થી જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર્ર સહિત દેશભરના નિકાસ ઉધોગમાં સૌથી મોટું વિધ્ન અત્યારે કન્ટેનરની અછત અને કન્ટેનરના ભાડામાં બમણો ભાવવધારો છે. આ સળગતો પ્રશ્ન દૂર કરવા માટે નિકાસકારોએ પણ કમર કસી છે. કોરોના પહેલા એક દિવસમાં મળી રહેતા કન્ટેનર અત્યારે પંદર દિવસે મળે છે અને જરિયાતના આ સંજોગોમાં સો ટકા સુધીનો વધારો ઉધોગકારોએ ચૂકવવો પડે છે.
કોરોનાના લીધે આયાત અને નિકાસની સાયકલ ખોરવાઈ ગઈ છે, વિશ્વકક્ષાએ નિર્માણ પામતા કન્ટેનરના ૯૦ ટકા કન્ટેનર ચીનમાં ઉત્પાદિત થાય છે. દેશના આર્થિક વિકાસ માટે જરી વેગવંતા નિકાસ ક્ષેત્રની તાતી જરીયાત કન્ટેનરની છે. છેલ્લા ત્રણ મહિનાથી કન્ટેનરની વધુ અછત સર્જાઈ છે આ કારમી તંગીને પગલે નિકાસ કરવાનો ડિલિવરી શેડ્યુલ વેરવિખેર થઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર્રમાંથી આફ્રિકા, ઓમાન,સાઉદી અરેબિયા,ઇરાક,કતાર,યમન સહિત દેશોમાં સૌથી વધુ નિકાસ થાય છે.