ઉત્તર ભારતમાં ધૂમ્મસને લીધે વિઝિબિલીટી ઘટતાં અમદાવાદની 35 ફ્લાઈટ્સનું શેડ્યુલ ખોરવાયું
અમદાવાદઃ ઉત્તર ભારતમાં ઠંડી સાથે ગાઢ ઘૂમ્મસ સર્જાતા વિમાની સેવાને અસર પહોંચી છે. અમદાવાદ જતી-આવતી 35 જેટલી ફ્લાઈટ્સનું શેડ્યુલ ખોરવાયું હતુ. જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ઇન્ડિગોની અમદાવાદથી નાસિક, જયપુરની ફ્લાઈટ રદ કરાઈ હતી. મોડી પડેલી ફ્લાઇટમાં દિલ્હી જયપુર, આગ્રા, જમ્મુ, લખનઉ, દેહરાદૂન, ગોવા, શ્રીનગર, ચંડીગઢ, ઇન્દોર, પટના, કોચી, બેંગ્લુરુ, કોલકાતા સહિત વિવિધ રૂટની ફ્લાઇટોનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી સહિત અનેક રાજ્યમાં ભારે ધુમ્મસથી છેલ્લા દસ દિવસથી અનેક ફ્લાઇટો મોડી અને રદ થઈ રહી છે, આ પરિસ્થિતિ 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. મંગળવારે પણ અમદાવાદથી ઉપડતી 35 ફ્લાઈટ એકથી ચાર કલાક સુધી મોડી પડતા અનેક પેસેન્જર હાલાકીમાં મુકાયા હતા. ઇન્ડિગોની અમદાવાદથી હૈદરાબાદ જતી ફ્લાઈટ રન-વે પરથી પાછી વાળવી પડી હતી. તેમજ હૈદરાબાદમાં ખરાબ વાતાવરણથી લેન્ડિંગ કલિયરન્સ ન મળતા ફ્લાઈટ ચાર કલાકના વિલંબ બાદ બપોરે 12:30 કલાકે અમદાવાદથી રવાના થઈ હતી. 150થી વધુ પેસેન્જરે ફ્લાઈટમાં જ બેસી રહેવું પડ્યું હતું. ધુમ્મસને પગલે અનેક ફ્લાઇટો મોડી પડતા ઇન્ડિગોની અમદાવાદથી નાસિક, જયપુરની ફ્લાઈટ રદ કરાઈ હતી. મોડી પડેલી ફ્લાઇટમાં દિલ્હી જયપુર, આગ્રા, જમ્મુ, લખનઉ, દેહરાદૂન, ગોવા, શ્રીનગર, ચંડીગઢ, ઇન્દોર, પટના, કોચી, બેંગ્લુરુ, કોલકાતા સહિત વિવિધ રૂટની ફ્લાઇટોનો સમાવેશ થાય છે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, છેલ્લા એક સપ્તાહથી ફ્લાઇટના ભારે વિલંબને પગલે જે પેસેન્જરોને ઇમરજન્સી નથી તેવા પ્રતિદિન હાલમાં 500થી વધુ પેસેન્જરો તેમનો પ્રવાસ રદ કરી રહ્યા છે. તેમને એરલાઇન દ્વારા પૂરું રિફંડ આપવામાં આવે છે અથવા અન્ય તારીખમાં ટિકિટ ટ્રાન્સફર કરી આપવાનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. ફ્લાઈટો મોડી પડવાને કારણે અનેક પેસેન્જરોના અન્ય એરપોર્ટ પર લગેજ રહી જતો હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે.