પાલનપુર : રાજ્યમાં સર્વશિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ રાજ્યમાં અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામડાંની શાળાઓમાં પુરતા વર્ગખંડો નથી કે પુરતા શિક્ષકો નથી. પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લામાં સુવિધા વિહોણી શાળાઓનું નવીનીકરણ કરવાની માંગ કરવા છતાં માંગો ન સ્વીકારતા ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવા બનાવો બનતા હોય છે. ત્યારે પાલનપુર તાલુકાના ખસા ગામે પણ શાળામાં ઓરડાની ઘટના કારણે વિધાર્થીઓ મુશ્કેલીઓ અનુભવતા ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની કેટલીય એવી શાળાઓ છે કે, શાળાના ઓરડા જર્જરિત બની જતા કંડમ હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ઓરડાંની અછતને કારણે ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે. આવી જ એક શાળા બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખસા ગામની છે. કે, જ્યાં 9 ઓરડા આવેલા હતા. જોકે તમામે તમામ ઓરડા કંડમ થઇ જતા અત્યારે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી વેઠી અભ્યાસ મેળવી રહ્યા છે. 1 થી 8 ધોરણની આ શાળામાં ઓરડાની અછતને અભાવે બે પાળીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે બોલાવવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને શિક્ષકોના સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર રૂમના ટેબલને સાઈડ પર કરી કોમ્પ્યુટર રૂમમાં ગીચોગીચ ભરી અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પણ મજબૂર બની અનેક અગવડતા ભોગવી અભ્યાસ કરી રહ્યાં છે.
પાલનપુર તાલુકાની ખસા ગામની શાળાના વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમારી સ્કૂલમાં વર્ગ નથી એટલે અમને તકલીફ પડે છે. અમારે ભણવું છે આગળ વધવું છે. ગ્રામજનોના કહેવા મુજબ અમારા ગામની શાળામાં ઓરડાની અછતને લઇ અમે વારંવાર રજુઆતો કરી છે, પણ કોઈ ઉકેલ આવ્યો નથી. આગામી દિવસોમાં તાળાબંધી કરીશું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ખસા ગામની શાળામાં ઓરડાની અછત આજકાલની નહિ, પરંતુ છેલ્લા 5 વર્ષથી છે અને ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને રજુઆત કરાઈ છે અને તંત્ર દ્વારા પણ કંડમ રૂમો તોડી પાડવા શાળાને જાણ કરાતા શાળાએ અતિ કંડમ એવા 5 વર્ગખંડો તો ઉતારી લીધા છે, પરંતુ ત્રણ વર્ગખંડો જે હયાત હાલતમાં છે તે પણ ખુબ જ જર્જરીત બની જતા વિદ્યાર્થીઓને બેસાડી શકાતા નથી. જો કે ગ્રામજનોએ સ્થાનિક કક્ષાથી લઈ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી શાળાના વર્ગખંડોનું નવીનીકરણ કરવા રજૂઆતો કરાઈ છે. પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને લઇ રજુઆતો કરી કરી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ હવે શાળાનું નવીનીકરણ નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.