ગુજરાતમાં કાળઝાળ ગરમીના એંધાણઃ અઠવાડિયામાં ઉષ્ણતામાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જશે
અમદાવાદઃ ઉનાળાનો ફાગણ મહિનો પુરો થવામાં હવે ગણતરાના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉષ્ણતામાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. લોકો અત્યારથી જ ગરમીથી ત્રાસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તા. 10થી 16 એપ્રિલ દરમિયાન આંકરી ગરમીના એંધાણ છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધારે ઊંચકાશે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તો ગરમીનો પારો અત્યારથી જ 40 ડિગ્રીને પાર ગયો છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં ગરમી સાથે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતાઓ છે. તેમજ આગામી તારીખ 13થી 17 એપ્રિલ દરમિયાન પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળોની શક્યતા રહેશે. તથા તા. 7 તારીખ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે કમોસમી વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. રાજસ્થાનમાં પણ હવામાન પલટો આવી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધશે અને 10 એપ્રિલથી ગરમી એકદમ વધવાની ચાલુ થશે. જે 16મી એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.
હવામાન વિભાગ દ્રારા બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.