Site icon Revoi.in

દરિયો તોફાની બનશે, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગે આપી સુચના

Social Share

અમદાવાદઃ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ગુજરાતના હવામાન પર અસર થશે તેના લીધે ગરમીમાં થોડી રાહત થશે. તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતા છે.  બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. આથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે, અરબ સાગરમાં સમુદ્રી હિલચાલ સર્જાવાને કારણે 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,  આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે.  પવનની ગતિ 25-30 કિલોમીટર પ્રતિકલાકની રહેશે તથા પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફથી રહેશે. તેને કારણે ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે ઉત્તર પૂર્વી અરબ સાગરમાં સમુદ્રી હિલચાલને કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે.

હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટશે. સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસુ સારું છે અને ગુજરાતમાં પણ તેની અસર રહેશે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થશે અને સામાન્ય કરતાં વધુ રહેશે. દરમિયાન અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.