Site icon Revoi.in

અમદાવાદમાં વેપારીઓના વિરોધ બાદ મોટા ઉપાડે શરૂ કરાયેલી સીલિંગ ઝુંબેશ આખરે બંધ

Social Share

અમદાવાદઃ કોરોનાના કાળમાં વેપાર-ધંધાને ફટકો પડ્યો છે, ત્યારે નિયંત્રણોમાં છૂટછાટ બાદ વેપાર-ધંધા શરૂ થતા જ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરના બાંધકામો સામે શરૂ કરેલી સીલિંગ ઝુંબેશ અચાનક બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં મ્યુનિ.એ 2527 યુનિટ સીલ કર્યા છે. સીલ કરાયેલા યુનિટને ખોલવાની કોઇ નીતિ હજુ નક્કી થઇ નથી. સીલિંગ ઝુંબેશ અટકાવવા અને કોરોનામાં વેપારીઓને રાહત આપવા માટે માગ ઉઠી હતી.

અમદાવાદ મ્યુનિ. દ્વારા હાઇકોર્ટના આદેશ બાદ બીયુ પરમિશન અને ફાયર એનઓસી સિવાયની બિલ્ડિંગ સામે હાથ ધરેલી ઝુંબેશને ગુરુવારે અચાનક બ્રેક લાગી છે. છેલ્લા 9 દિવસથી શહેરના તમામ ઝોનમાં બીયુ પરમિશન ન હોય તેવી મિલકતોની સીલિંગ ઝુંબેશ ચાલી રહી હતી. જેનો વેપારીઓ દ્વારા તેમજ રાજકીય પક્ષોએ વિરોધ કર્યો હતો. ગત શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેને અધિકારીઓની સ્પષ્ટતા માગી હતી. તેમણે હાઇકોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરાતી હોવાનો ખુલાસો કર્યો હતો. બુધવારે કોગ્રેસના અગ્રણીઓએ મેયરને આવેદન આપી સીલિંગ ઝુંબેશ અટકાવી વેપારીઓને રાહત આપવા માગ કરી હતી.

કોરોના તેમજ લૉકડાઉનને કારણે વેપારીઓની આર્થિક હાલત ખરાબ છે ત્યારે બીજી તરફ આ પ્રકારે તેમના ધંધાકીય એકમોને સીલ કરીને વધુ આર્થિક નુકસાન નહી કરવા માટે રજૂઆત કરી હતી. દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત ચાંદખેડા વિસ્તારમાં 35 જેટલા છાપરાં તોડી નાંખી 1650 ફૂટ દબાણ દુર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત થલતેજ વોર્ડમાં પણ 18 મીટરનો રસ્તો પહોળો કરવા 2 કાચા શેડ, દિવાલોના દબાણો દુર કરવામાં આવ્યા હતા. વસ્ત્રાલ નિકોલમાં પણ જાહેરાતના બોર્ડને દૂર કર્યા હતા. સરકીવાડ ખાતે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા દબાણોને મ્યુનિ. દ્વારા તોડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.