કેરીની સિઝન 7મી જુલાઈએ પૂર્ણ થશેઃ ગત વર્ષ કરતા એક લાખ બોક્સની આવક ઘટી
તલાલા ગીરઃ કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેરીની સીઝન 7 જુલાઇએ પૂરી થશે. અત્યાર સુધીમાં વેચાણમાં આવેલી કેસર કેરીમાં ગત વર્ષ કરતાં 1 લાખ બોક્સનો ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાને લીધે કેરીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો નોંધાયો છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીની સીઝન માટેનો છેલ્લો દિવસ 7 જુલાઇ રહેશે. આ વર્ષે અત્યાર સુધીમાં 5 લાખ 70 હજાર બોક્સ વેચાણ માટે આવ્યા છે. જ્યારે હજુ 24 દિવસ સીઝન ચાલશે. આ વર્ષે કેસર કેરીના સરેરાશ ભાવ પણ નીચા ગયા છે.
તલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે 37 દિવસ સીઝન ચાલી હતી. અને 6,88,000 બોક્સ કેરીની આવક થઇ હતી. જે આ વર્ષે ઘટીને 34 દિવસની થઇ છે. અને કેરીની આવકમાં પણ 1 લાખ બોક્સની આવક ઘટી છે. સાથે વાતાવરણ અને તાઉ તે વાવાઝોડાને લીધે થયેલી નુકસાની ઉડીને આંખે વળગે એવી રહી છે. પરિણામે ઓછા માલને લીધે ભાવ વધુ મળવાની આશા હતી. એને બદલે સરેરાશ ભાવ ઓછો રહ્યો.
ગત વર્ષે કેસર કેરીનો સરેરાશ ભાવ બોક્સ દીઠ રૂ. 345 રહ્યો હતો એમાં આ વર્ષે સરેરાશ માંડ 10 રૂપિયા વધારો રહ્યો. બોક્સનો સરેરાશ ભાવ રૂ. 355 હતો. વાવાઝોડામાં મોટાભાગની કેરી ખરી જવાને લીધે કેસર કેરીનો સરેરાશ ભાવ રૂ. 100-150 સુધીનો નીચો રહ્યો. અને ખેડૂતોને ભાવ ન મળ્યા. જોકે, પાછળથી જે ખાવાલાયક કેરીના બોક્સ આવ્યા તેનો ભાવ તો રૂ. 800-1000 કે તેથી વધુ જ રહ્યો હતો.