Site icon Revoi.in

રાજ્યમાં જુનિયર રેસિડન્ટ તબીબોની બીજા દિવસની હડતાળથી દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં સરકારી તબીબો અને સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલતો જ રહે છે. હાલ જુનિયર તબીબોએ આંદોલનનું રણશિંગુ ફુંક્યુ છે. હાલ જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળને બીજો દિવસ થયો છે. જોકે, રાજયમાં તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે. રાજયના મોટા શહેરમાં તબીબોએ બીજા દિવસે પણ પોતાની માગણીઓને લઇને હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં જૂનિયર રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ બીજા દિવસે પણ યથાવત છે. પડતર પ્રશ્નોનું હજુ સુધી નિરાકરણ ન આવતા હોસ્પિટલમાં ઓપીડી, ઇમરજન્સી અને કોવિડ સેવાનો બહિષ્કાર કર્યો છે. મોટી સંખ્યામાં એકઠાં થયેલા ડોક્ટરોએ બેનર દર્શાવી ઉગ્રસૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ ડોક્ટરોની હડતાળના પગલે દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત છે. તબીબોએ આજથી ઈમરજન્સી સેવા પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. વહેલી સવારથી સ્મીમેર હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા બંધ કરાઈ છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં સાંજે ઈમરજન્સી સેવા બંધ કરાશે. બીજી તરફ ડોક્ટરની હડતાળના પગલે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે.

આ ઉપરાંત રાજકોટમાં પણ જૂનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળ યથાવત છે. શહેરના રેસિડન્ટ ડૉક્ટરોએ માગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે, હોસ્પિટલમાં ઈમરજન્સી અને કોરોનાની કામગીરી ચાલુ રહેશે. હડતાળમાં 200 જેટલા રેસિડન્ટ ડૉક્ટર જોડાયા છે. ભાવનગરમાં સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉકટરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. સાથે જ રેસિડેન્ટ ડૉકટરો તમામ OPD સેવાઓથી પણ અળગા રહ્યા. જોકે, હોસ્પિટલમાં કોવિડ અને ઇમરજન્સી સેવા ચાલું છે. જિલ્લામાંથી અંદાજે 200 જેટલા ડૉક્ટરો હડતાળમાં જોડાયા છે