Site icon Revoi.in

ક્રિકેટ વર્લ્ડકપના બીજા મુકાબલામાં પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ ટકરાશે

Social Share

લંડનઃ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપના આરંભ સાથે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આજે બીજો મુકાબલો પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન અને પાકિસ્તાનના બોલરો વચ્ચે મુકાબલો જામશે. અગાઉ વિન્ડીઝ અને પાકિસ્તાન 3 વાર વર્લ્ડકપની પહેલી મેચમાં એક બીજા સામે રમ્યા છે જેમાં વિન્ડીઝની 2 મેચમાં પાકિસ્તાનની 1 મેચમાં જીત થઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝની ટીમના બેસ્ટમેનો ઈંગ્લેન્ડની હાઈસ્કોર પીચ ઉપર પાકિસ્તાન સામે રનનો પહાળ ઉભો કરવા માટે સક્ષમ છે. વિન્ડીઝે છેલ્લી 10માંથી 4 વનડેમાં 330 કરતા વધુનો સ્કોર બનાવ્યો છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ છે, જેણે છેલ્લી 10 મેચથી જીતનો સ્વાદ ચાખ્યો નથી અને તેના બોલર્સે છેલ્લી 4 વનડેમાં 1424 રન આપ્યા છે. પાકિસ્તાનના આક્રમક બેસ્ટમેન બાબર આઝમ, ફકર ઝમાન અને ઇમામ ઉલ હકે છેલ્લા 1 વર્ષમાં 50 કરતા વધુની એવરેજથી બેટિંગ કરી છે. આઝમ અને ઇમામ ઇનિંગ્સને સ્થિરતા આપશે જયારે ઝમાન પહેલા બોલથી આક્રમક બેટિંગ કરશે. આ ત્રિપુટી પાકિસ્તાનની તાકત છે.

પાકિસ્તાન 2017ની ચેમ્પિયન ટ્રોફી જીત્યા પછી 32માંથી 21 વનડે હાર્યું છે, 9 જીત્યું છે, જયારે 2 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી 6માંથી 4 ઇનિંગ્સમાં બાબર આઝમે સદી ફટકારી છે. બીજી તરફ વનડે ક્રિકેટમાં ઓક્ટોબર 2018 પછી શાઈ હોપે 17 ઇનિંગ્સમાં 80.85ની એવરેજથી સૌથી વધુ 1132 રન કર્યા છે. આ દરમિયાન તેણે 5 સદી ફટકારી છે.

આજે રમાનારી ક્રિકેટ મેચમાં  વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ક્રિસ ગેલ, એવીંન લુઈસ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, આન્દ્રે રસેલ, જેસન હોલ્ડર, એશ્લે નર્સ, શેલ્ડન કોતરેલ, ઓશેન થોમસ અને કિમર રોચ સમાવેશ થઈ શકે છે. જ્યારે પાકિસ્તાની ટીમમાં ફકર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહેલ, સરફરાઝ અહેમદ, શોએબ મલિક, ઇમાદ વસીમ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, હસન અલી અને શાહીન આફ્રિદીનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતા છે.