દેશની 88 બેઠકો પર આવતીકાલે બીજા તબક્કાનું મતદાન, કેરળની તમામ 20 બેઠકો પર યોજાશે વોટિંગ
88 બેઠકો પર આવતીકાલે મતદાન
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું. હવે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો પ્રચાર પડઘમ બુધવારે સાંજે શાંત પડી ગયો આવતીકાલે એટલે કે 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે.. જેમાં કેરળની તમામ 20 સીટ પર, કર્ણાટકની 28 સીટોમાંથી 14 સીટ પર, રાજસ્થાનમાં 13 સીટ પર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 સીટો પર, મધ્યપ્રદેશની 7 સીટ પર, આસામ અને બિહારમાં 5-5 સીટ પર મતદાન થશે, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3-3 બેઠકો પર અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થશે.
આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર
બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સામેલ છે.
દેશની 16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં મતદાન
દેશની 16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કાની 88 બેઠકોમાંથી ગઈ વખતની ચૂંટણીમાં, NDAએ 61 બેઠકો જીતી હતી અને UPAએ 24 બેઠકો જીતી હતી, જ્યારે અન્યોએ ત્રણ બેઠકો જીતી હતી. બીજા તબક્કાનાં મતદાનમાં જનતા 2 કેબિનેટ મંત્રી અને 4 રાજ્ય મંત્રીઓનું ભાવિ નક્કી કરશે. આ તબક્કામાં 29 બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી. તેમાંથી કેરળમાં સૌથી વધુ 20 સીટો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, બીજા તબક્કામાં આઠ બેઠકો પર મતદાન થવાનું છે, જેમાંથી 7 બેઠકો ગઈ વખતે 2019માં ભાજપ પાસે જ હતી.