- દેશમાં કોરોનાથી લોકોને રાહત
- 81 દિવસ બાદ મૃત્યુઆંક 1000થી નીચે
- ગુજરાત: કેટલાક જિલ્લામાં એક સપ્તાહથી કોઈ કેસ નહી
અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે દેશમાં એટલી ઘાતક રહી નથી. દેશમાં કેસ તો ઓછા આવે જ છે પરંતુ સાથે કોરોનાથી થતા મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જો વાત કરવામાં આવે સરકારી આંકડા મુજબની તો દેશમાં ગત 12મી એપ્રિલ પછી પહેલીવાર, ગઈકાલ રવિવાર, 27 જૂનના રોજ કોરોનાથી મૃત્યુ પામેલાનો આંકડો 1000 ની અંદર નોંધાયો છે.
આ સાથે નોંધનીય વાત એ છે કે ગુજરાતમાં પણ કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં છેલ્લા 1 સપ્તાહથી કેસ નોંધાયો નથી. કોરોના મહામારીની બીજી લહેરથી સમગ્ર દેશમાં રોજબરોજના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યા હતો. જો કે હવે તેમા રાહતના સમાચાર એ છે કે, કોરોનાને કારણે દર્દીઓ અને મૃત્યુઆંક ઝડપથી ઘટી રહ્યો છે.
છેલ્લા એક સપ્તાહના આંકડાની સરખામણી કરીએ તો, 38 ટકા મૃત્યુઆંક ઓછો થયો છે. છેલ્લા એક સપ્તાહની સરેરાશ મુજબ કોરોનાનો મૃત્યુદર 1000ની અંદર રહ્યો છે. 27મી જૂનના રોજ, દેશમાં કોરોના સંક્રમણ પામેલા 689 દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. જે 81 દિવસમાં સૌથી ઓછા કેસ છે. આ અગાઉ, 7 એપ્રિલે 685 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.
ગુજરાતમાં 27 જૂનના રોજ કોરોનાના નવા 112 કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. કોરોનાના નવા કેસની સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,244 થઇ છે, ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1, વડોદરા જિલ્લામાં 1 અને ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.