Site icon Revoi.in

કોરોનાની બીજી લહેરને લઈને કહી કેન્દ્ર સરકારે મહત્વની વાત

Social Share

નવી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના બીજી લહેરના કારણે મોટી સંખ્યામાં લોકોને નુક્સાન થયું છે. સૌ કોઈએ તે નજારો જોયો છે જ્યારે બીજી લહેરમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા અને લોકો કેવી રીતે પરેશાન થઈ રહ્યા હતા.

હવે જો કે કોરોનાવાયરસની બીજી લહેર શાંત પડી છે અને દેશમાં હવે પહેલા જેટલા કેસ પણ નોંધવામાં આવી રહ્યા નથી. ત્યારે આવા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસની બીજી લહેર હજુ પણ સંપૂર્ણપણે ખત્મ થઈ નથી, તેથી લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહી.

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ ઘટી ગયો છે અને કોરોનાના દૈનિક કેસ 50 હજારથી ઓછા તેમજ દૈનિક મોત 1000થી ઓછા થઈ ગયા છે. લોકોએ શક્ય એટલા વહેલાં રસી લેવી તેમજ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.

બીજીબાજુ કેન્દ્ર સરકારે કોરોનાના દૈનિક કેસની સંખ્યા વધુ છે તેવા છ રાજ્યો કેરળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તિસગઢ અને મણીપુરમાં શુક્રવારે એક ટીમ મોકલી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં શુક્રવારે કોરોનાના દૈનિક કેસ 46,617 નોંધાયા હતા જ્યારે 853નાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 3.04 કરોડથી વધુ થયા હતા. તેમજ કુલ મૃત્યુઆંક ચાર લાખને પાર થયો હતો.

દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 2.95 કરોડ થઈ ગઈ છે જ્યારે મૃત્યુદર 1.31 ટકા થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 34.41 કરોડથી વધુ ડોઝ અપાયા છે. કોરોનાના એક્ટિવ કેસ વધુ ઘટીને 5.09 લાખ થયા છે, જે કુલ કેસમાં 1.67 ટકા જેટલા છે. કોરોનાનો રાષ્ટ્રીય રીકવરી દર વધીને 97.01 ટકા થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યામાં 13620 કેસનો ઘટાડો થયો છે. વધુમાં છેલ્લા 25 દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે નોંધાયો છે.

કેન્દ્રના રસીકરણ અભિયાન અંગે મંત્રાલયે જણાવ્યું કે, 21મી જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ દૈનિક ૫૦ લાખ લોકોને રસી અપાઈ છે. દેશમાં 80 ટકા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને 90 ટકા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસીના બંને ડોઝ આપી દેવાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.