Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાનું સત્ર 23મી ફેબ્રુઆરીથી 29મી માર્ચ સુધી મળશે, 24મી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરાશે

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં 15મી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર 24મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. ત્યારબાદ  વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર રેકર્ડબ્રેક જીત મેળવીને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરીવાર સત્તાના સૂત્રો સંભાળ્યા છે. એટલે નવી સરકારનું પ્રથમ બજેટ સત્ર મળી રહ્યું છે. વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર માર્ચના અંત સુધી ચાલશે. આ દરમિયાન રાજ્યપાલના સંબોધન પર ચર્ચા, બજેટ પર સામાન્ય ચર્ચા અને કેટલાક વિધેયકો પણ રજૂ થશે. 156 બેઠકો સાથેની જંગી બહુમતીથી ચૂંટાયેલી સરકાર હવે કરકસરના પગલાં લેવા જઇ રહી છે જેના કારણે બજેટમાં આર્થિક ભારણ ઓછું હોય તેવી નવી યોજના તૈયાર કરીને જાહેર કરવામાં આવશે. હાલની જે યોજનાઓ વધુ નાણાબોજ ધરાવે છે તેમાં કાપ મૂકવામાં આવશે. ગુજરાત સરકાર નો ચેરીટી એટલે કે બિનજરૂરી સહાય અપાતી હોય તેવી યોજનાઓ બંધ કરશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અપાતી ગ્રાન્ટમાં પણ કાપ મૂકવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ સ્થાનિક સંસ્થાઓને સ્વાયત્ત બનવા સૂચના આપી હોવાથી મહાનગરપાલિકાઓ દ્વારા હયાત કર માળખામાં વધારો કરવાની શરૂઆત કરી છે. સાથે બાકી કર વસૂલાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આઉટ સોર્સીંગ બંધ કરીને રેગ્યુલર નિમણૂંકો કરવાનો નિર્ણય લીધો છે. જેથી બજેટમાં મોટી સંખ્યામાં નવી ભરતીઓ પણ જાહેર કરવામાં આવશે.(file photo)