Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાનું 13મી સપ્ટેમ્બરથી મળનાર સત્ર પેપરલેસ હશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનું આગામી 13મી સપ્ટેમ્બરથી યોજાવાનું છે. આ સત્ર પેપરલેસ રહેશે. તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.

ગુજરાત વિધાનસભા હવે ઈ-વિધાનસભા બનવા માટે સજ્જ છે. ઇ-વિધાનસભા એટલે કે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ વિધાનસભા. મહત્વનું છે કે, હવે 13મી સપ્ટેમ્બરથી મળનારું વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ હશે. એટલા માટે 29મી ઓગસ્ટથી ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યોને 4 દિવસીય તાલીમ અપાશે. ત્યારબાદ મુખ્યમંત્રી અને મંત્રીઓને ખાસ તાલીમ આપવાનો અલગથી એક કાર્યક્રમ યોજાશે, જેની પાછળનું કારણ એ છે કે, મુખ્યમંત્રી અને મંત્રીઓને ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નો, રજૂ કરાયેલા પ્રસ્તાવ, અને નોટીસ સહિતની બાબતો કઇ રીતે વાંચવી તેની તાલીમ અપાશે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને મંત્રીઓને કઇ રીતે ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપવા, કઇ રીતે દરખાસ્તનો જવાબ આપવો વગેરે બાબતે તાલીમ અપાશે.13મી સપ્ટેમ્બરથી મળનાર વિધાનસભાની તમામ કામગીરી પેપરલેસ થશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકર ચૌધરીએ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAની ચાર દિવસીય તાલીમ વર્કશોપ ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશનની PM પ્રધાનમંત્રીની કલ્પના અનુસંધાને ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આજે ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે. નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી આગામી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાશે અને તે માટે આજથી તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવામાં આવશે.

વિધાનસભાના અધ્યક્ષે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં આ એપ્લિકેશનનો વ્યાપ વધારી તેની સાથે રાજ્યના નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો તથા પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાશે. એટલુ જ નહિ, વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી તમામ બાબતોને આ એપ્લિકેશનમાં આવરી લઈ ધારાસભ્યો પણ આંગળીના ટેરવે તમામ માહિતી મેળવી શકશે.

ગુજરાત વિધાનસભાનું 4 સપ્ટેમ્બરથી મળનારા સત્રમાં કેટલાક મહત્વના વિધાયક ગૃહમાં રજુ કરવામાં આવશે. તેમજ રાજ્યના વિકાસને લઈને મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ મોંઘવારી સહિતના મુદ્દા ઉપર રાજ્ય સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ તૈયાર કરી છે.