પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરીવાર થયો વધારો, સામાન્ય વર્ગના લોકોના ખિસ્સા પર ભાર વધ્યો
- પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો
- સામાન્ય વર્ગના લોકોને ફરીવાર ફટકો
- વાંચો શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ
દિલ્હી :પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતની સીધી અસર મધ્યમવર્ગના લોકોના ખિસ્સા પર પડી રહી છે, વાત એવી છે કે જે લોકો અમીર છે તેમને કિંમતમાં વધારો થાય તેનાથી કાંઈ ખાસ ફર્ક પડતો નથી, અને ગરીબ છે તેમને એટલું પેટ્રોલ-ડીઝલ ભરાવું નથી કે જેનાથી તેમને ફરક પડે, પેટ્રોલ-ડીઝલની કિંમત વધે છે તેની અસર મધ્યમવર્ગના લોકોને પડે છે જેમણે નોકરી-ધંધા માટે રોજનું કેટલાક કિલોમીટર ફરવું પડે છે.
હવે બે દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ હવે 120 રૂપિયાને પાર કરી ગયું છે, જ્યારે ડીઝલ 111 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ 107.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. આજે એટલે કે બુધવારે પેટ્રોલિયમ કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 35-35 પૈસાનો વધારો કર્યો છે. જેના કારણે રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં પેટ્રોલ 120.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 111.01 રૂપિયાનાં ભાવે વેચાઈ રહ્યું છે.
સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ બુધવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. મુંબઈમાં પેટ્રોલ 113.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 104.75 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. પટના, બેંગ્લોર, હૈદરાબાદ જેવા શહેરોમાં પેટ્રોલ 110 રૂપિયા પ્રતિ લીટરથી વધુ વેચાઈ રહ્યું છે.