Site icon Revoi.in

અલંગમાં જહાજ લાંગરે તે પહેલા જ તેના કેપ્ટને સેટેલાઈટ ફોન દરિયામાં ફેંકી દેતા તપાસનો ધમધમાટ

Social Share

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવી રહેલા જહાજના કેપ્ટને જહાજને લાંગરવામાં આવે તે પહેલા જ સેટેલાઈટ ફોન દરિયામાં ફેંકી દેતા ગુપ્તચર તપાસ એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા જહાજના કેપ્ટને પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ભારતીય જળસીમામાં ઉપયોગ કર્યા બાદ દરિયામાં ફેંકી દેતા સમગ્ર ઘટનાને અતિ બારીકાઇથી જોવામાં આવી રહી છે, અને ગુપ્તચર એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.82  દ્વારા ખરીદવામાં આવેલું જહાજ ડીડ-1 અલંગની સામેના દરિયામાં આવી પહોંચ્યુ હતુ. ભારતીય જળસીમામાં પ્રવેશ્યા બાદ શિપના કેપ્ટને સેટેલાઇટ ફોન વડે વિદેશમાં વાતચીત કરી હતી, અને આ કોલને ગુપ્તચર શાખાએ આંતર્યો હતો. ભાવનગર કસ્ટમ્સના અધિકારીઓ, કોસ્ટગાર્ડ, નેવલ ઇન્ટેલિજન્સ, ગુપ્તચર એજન્સીઓ સહિતનો કાફલો જહાજ પર ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.દરમિયાન જહાજના કેપ્ટનને શિપ પરથી ભાવનગર કસ્ટમ્સમાં લાવવામાં આવ્યો હતો. અને અહીં તેનું વિધિસર સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. એમ.વી.ડીડ-1 જહાજના તાર મૂળ પાકિસ્તાની અને દુબઇમાં બેંક ફ્રોડમાં સંડોવાયેલા તાહિર લાખાણીનું હોવા અંગેની દિશામાં ગુપ્તચર શાખા તપાસ કરી છે. ઉપરાંત ગુજરાતની એન્ટિ ટેરિરિસ્ટ સ્ક્વોડ પણ આ જહાજ સાથે સ્થાનિક સ્તરે સંકળાયેલા લોકોની પુછપરછ કરી રહ્યું છે.

શિપના કેપ્ટને શરૂઆતની પુછપરછમાં તેઓને વાત કર્યા બાદ ફોન દરિયામાં ફેંકી દેવાના આદેશ ઉપરથી આપવામાં આવ્યા હોવાની કેફિયત આપી હોવાની ચર્ચા છે. મુંબઇ પર વર્ષ 2008માં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ દરિયાઇ માર્ગનો ઉપયોગ કર્યો હતો અને સેટેલાઇટ ફોનનો ઉપયોગ કર્યો હતો, ત્યારથી સરકાર દ્વારા ભારતીય જળસીમામાં સેટેલાઇટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આમ અલંગ શીપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા શીપના કેપ્ટને સંવેદનશીલ માહિતીની આપ-લે માટે વપરાતો સેટેલાઈટ ફોન દરિયામાં ફેંકી દેતા દેશની ગુપ્તચર એજન્સીઓએ સક્રિય બની તપાસ શરૂ કરી છે.(file photo)