- એએમસી અને પ્રવાસન વિભાગ દ્વારા કરાયુ છે આયોજન,
- વેપારીઓ અને નાગરિકોને કોઈ ફાયદો ન થયો,
- વરસાદને લીધે પણ વેપારીઓને નુકશાન થયું હતું
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોપિંગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સિન્ધુભવન, નવરંગપુરા સહિત વિવિધ સ્થળોએ મ્યુનિના પ્લોટ્સમાં શોપિંગ સ્ટ્રીટ ઊભી કરવામાં આવી છે. આ શોપિંગ ફેસ્ટીવલનું દેશેરાથી ઉત્તરાણ સુધી આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલમાં નાગરિકોને એક જ જગ્યાએ વિવિધ ચિજ-વસ્તુઓ મળી રહે છે. જ્યારે વેપારીઓને પણ ફાયદો થાય છે. એટલે ઉદ્દેશ્ય સારો છે, પણ ગમે તે કારણ હોય લોકોમાંથી શોપિંગ ફેસ્ટિવલને યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.
શહેરના સિંધુભવન રોડ, નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ, નિકોલ મોન સ્ટ્રીટ અને કાંકરિયા-મણિનગર રોડ પર શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઝાકમઝોળ રીતે સિંધુભવન રોડ પરના શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો. શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયા બાદ રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. તેથી ગ્રાહકોમાં ઘટાડો થયો હતો. કહેવાય છે કે માટાભાગના શહેરીજનોને શોપિંગ ફેસ્ટિવલની ખબર જ નથી. એટલે જે રીતે પ્રચાર-પ્રસાર કરવો પડે તે રીતે કરાયો નથી. છેલ્લા 12 દિવસથી ચાલતા શોપિંગ ફેસ્ટિવલમાં વેપારીઓનું માત્ર રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે, પરંતુ આ ફેસ્ટિવલના કારણે તેઓને કોઈપણ પ્રકારનો ફાયદો થઈ રહ્યો હોય તેવું જણાતું નથી. AMCએ માત્ર રજિસ્ટ્રેશન કરી દીધું છે, પરંતુ તેનાથી તેઓની પાસે ગ્રાહકો કેવી રીતે આવશે અને શું ફાયદો થાય છે તે અંગે કોઈ વિસ્તારપૂર્વક જણાવ્યું નથી. તેમને કોઈપણ પ્રકારના લોગો કે યોગ્ય જાણકારી પણ આપી નથી. શોપિંગ ફેસ્ટિવલથી તેમને ફાયદો નહીં પરંતુ નુકસાન જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
શહેરના સી.જી રોડ ઉપર નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ ખાતે બનાવવામાં આવેલી શોપિંગ સ્ટ્રીટમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. ગેમ ઝોન ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ ભીડ જોવા મળી નથી. શોપિંગ ફેસ્ટીવલના દુકાનદારોના કહેવા મુજબ શહેરના સીજી રોડ પર માર્કેટ અને આસપાસના વિસ્તારોમાં અનેક બ્રાન્ડેડ દુકાનો પણ આવેલી છે. એમાં હાલ દિવાળીના તહેવારોને લીધે ડિસ્કાઉન્ટ અપાતુ હોવાથી ગ્રાહકો શોપિંગ ફેસ્ટિવલમાં આકર્ષાતા નથી.