જામ ખંભાળિયાઃ ગુજરાતનો પ્રથમ એવો સમુદ્ર પર ઓખા અને દ્વારકા વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અને હાલ બ્રિજ પર માલ ભરેલા હેવી ટ્રકો દોડાવીને ટેસ્ટીગ કરવામાં આયું હતું. આ બ્રિજનું બે-ત્રણ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. હાલ બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સિગ્નેચર બ્રિજ ઉપર 48 જેટલી ટ્રકોમાં પથ્થર અને હેવી માલસામાન ભરવામાં આવ્યો હતો. જેમાં એક ટ્રકની અંદર 47 ટન જેટલો સામાન અંદાજે ભરવામાં આવ્યો હતો. જે બાદ આ ટ્રકોને 24 કલાક સુધી આ બ્રિજ પર ઉભી રાખવામાં આવી હતી. એન્જિનિયરિંગના ઉત્તમ નમૂનારૂપ સમુદ્ર પર જ ફોરલેન બ્રિજ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ અનોખો એટલા માટે કહેવાય છે, કારણ કે દેશમાં પહેલીવાર બ્રિજના લગભગ 900 મીટરના ભાગને મજબૂત અને સલામતીના આંતરરાષ્ટ્રીય માનાંક ધરાવતા કેબલ મારફત સ્ટીલના બે મોટા થાંભલા પર લટકાવવામાં આવ્યો છે, જેને સિગ્નેચરબ્રિજ નામ આપવામાં આવ્યું છે. બ્રિજની આ ખાસિયત એ છે. કે, દેશમાં અત્યાર સુધીમાં બનેલા સેંકડો બ્રિજથી અલગ પાડે છે. બ્રિજ પર બન્ને તરફના વોક-વે પર કુલ 2986 નંગ સોલર પેનલ લગાવવામાં આવશે, જેના મારફત એક મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ શકશે. સોલર પેનલથી ઉત્પન્ન થયેલી વીજળી પશ્ચિમ ગુજરાત વીજ નિગમ લિમિટેડ (PGVCL)ને આપવામાં આવશે. આ ઉપરાંત ઓખા તરફ જઈએ તો બ્રિજની જમણી બાજુ દીવાલ પર 232 કારવિંગ સ્ટોન લગાવવામાં આવશે, જેના પર ભગવાન શ્રીકૃષ્ણના નામ અને ગીતાના શ્લોક પણ લખવામાં આવશે, જેથી આધુનિક સ્ટ્રક્ચરની સાથે આધ્યાત્મિકાનો પણ દર્શનાર્થીઓને અનુભવ થશે. આ કામમાં વપરાતા કારવિંગ સ્ટોન જયપુરમાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
સિગ્નેચર બ્રિજ ચાલુ થતાં ઓખાથી બેટ દ્વારકા સુધી પહોંચવા માટે રોરો-ફેરીનો ઉપયોગ નહીં કરવો પડે. કુલ 978.93 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો 2.32 કિલોમીટર લાંબા ફોરલેન બ્રિજ પરથી વાહનો સડસડાટ દોડશે અને પગપાળા ચાલીને જતા લોકો માટે બન્ને તરફ વોક-વે બનાવવામાં આવશે.