રાજ્યની જેલોમાં સજા કાપતા ભાઈઓને બહેનોએ રક્ષા બાંધી પર્વની ઊજવણી કરી
અમદાવાદઃ રાજ્યભરમાં આજે રક્ષાબંધનનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. બહેનોએ પોતાના ભાઈની કલાઈ પર રક્ષા બાંધીને પર્વની ઊજવણી કરી હતી, શહેરના સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની જેલોમાં સજા ભોગવતા પોતાના ભાઈઓને રક્ષાબંધન કરવા બહેનો જેલમાં પહોંચીને ભાઈનેરક્ષા બાંધી હતી.
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ સરકારે પણ ધાર્મિક તહેવારોની ઉજવણીમાં છૂટ આપી છે. ત્યારે આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની તમામ સબજેલો ખાતે સજા આપતા કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધીને મોઢું મીઠું કર્યું હતું. નવસારી સબજેલમાં વિવિધ ગુનાની સામે સજા કાપતા 380 જેટલા કેદી ભાઈઓ એ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી છે. વહેલી સવારથી બહેનો પોતાના ભાઈના કાંડા ઉપર રાખી બાંધવા આતુર હતી.જેલ પ્રશાસને પણ રક્ષાબંધનના પર્વની ઉજવણીને ધ્યાને રાખી ભાઈ બહેન ને રાખડી બાંધી શકે અને તેમની સાથે થોડો સમય પસાર કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સાથે જ બહેન દ્વારા લાવવામાં આવેલો નાસ્તો પણ ભાઈ ને આપવા માટેની છૂટ આપી હતી.
સજા કાપતા ભાઈઓ પરિવારથી દૂર રહેતા ઘણા સમય બાદ બહેનોનું મોઢું જોઈ તેમના આંખમાંથી આશું સરી પડયા હતા ભાઈના આંખમાંથી આંસુ જોઈ બહેનની આંખો પણ છલકાઇ હતી રક્ષાબંધનના પર્વ નિમિત્તે જેલ પરિસરમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. જેલ પ્રશાસને રક્ષાબંધનના તહેવાર ઉજવવા માટેની પરવાનગી આપતા બહેનોએ જેલ પ્રશાસને આભાર માન્યો હતો.