Site icon Revoi.in

પાટિદાર અનામત આંદોલન સમયના કેસો હજુપણ પાછા ન ખેંચતા સમાજની મુખ્યમંત્રીને રજુઆત

Social Share

પાલનપુરઃ પાટીદાર અનામત આંદોલન સમયે પાલનપુર તાલુકાના ગઢ ગામે પોલીસ ફાયરિંગમાં બે પાટીદાર યુવકોના મોત થયા હતા. જેમાં પોલીસ દ્વારા 167 જેટલા પાટીદાર સમાજના લોકો સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા જોકે આ કેસો પાછા ખેંચવા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેસો પાછા ખેંચવામાં ન આવતા ગઢ તેમજ પાલનપુરના પાટીદાર સમાજના અગ્રણીઓએ ભાજપના નેતાઓને સાથે રાખીને  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળી પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવો દર્શાવ્યો હતો.

ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન થયુ હતું. તત્કાલિન સમયે આ આંદોલનમાં ઠેર ઠેર પાટીદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.  જેમાં પાલનપુર તાલુકાના ગઢ ગામમાં પણ પાટીદારો અને પોલીસ વચ્ચે અથડામણ થતાં પોલીસ દ્વારા ટોળાને વિખેરવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે પાટીદાર સમાજના યુવકોના મોત થયા હતા. જોકે પાટીદાર અનામત આંદોલનમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજના 167 લોકો સામે કેસો દાખલ કરાયા હતા જેને લઇ પાટીદારોમાં રોષ ફેલાયો હતો અને પાટીદારો પર કરાયેલા કેસો પાછા ખેંચવા માંગ પ્રબળ હતી. જેમાં વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી ટાણે ભાજપના પ્રદેશના અને રાષ્ટ્રીય આગેવાનો દ્વારા પાટીદારોને તેમના પર કરવામાં આવેલા કેસો પાછા ખેંચવા ખાતરી આપવામાં આવી હતી, છતાંયે આજ દિન સુધી પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચાયા નથી. આથી ગઢ પંથકના પાટીદાર આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, માજી કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી તેમજ ભાજપના આગેવાનોને  સાથે રાખીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારો પર કરાયેલા ખોટા કેસો પાછા ખેંચવા રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રીને કેસો મામલે યોગ્ય નિર્ણય લેવાની હૈયા ધારણાં આપી હતી.