સૌર મિશન આદિત્ય L1ને અંતિમ ભ્રમણકક્ષામાં મૂકાશે
- આદિત્ય L1 લેન્ગ્રેજ 1 બિંદુ પર હેલો ઓર્બિટ ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરશે
- આદિત્ય L1 એ 2 સપ્ટેમ્બરથી આ અંતર કાપ્યું
- લેન્ગ્રેજ બિંદુ L1, પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર
નવી દિલ્હીઃ સૂર્યનો અભ્યાસ કરવા માટેના ભારતના પ્રથમ મિશન આદિત્ય L1ને આજે અંતિમ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. આ સાથે ભારત સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરવામાં રસ ધરાવતા ટોચના દેશોમાં પણ સામેલ થઈ જશે. આદિત્ય L1 લેન્ગ્રેજ 1 બિંદુ પર હેલો ઓર્બિટ ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરશે. લેન્ગ્રેજ બિંદુ L1, પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે અને આદિત્ય L1 એ 2 સપ્ટેમ્બરથી આ અંતર કાપ્યું છે અને સૂર્યનો સતત અભ્યાસ કરવાના મિશન માટે તેને આ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
આદિત્ય L1 મિશન 1500 કિલો વજનનું અવકાશયાન સૂર્યના વાતાવરણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા માટે સાત પેલોડ વહન કરે છે. આ ઉપકરણો સૂર્યના વિવિધ ભાગોનો અભ્યાસ કરશે, જેમાં તેના બાહ્ય સ્તર કોરોનાનો સમાવેશ થાય છે. આ અભ્યાસો સૌરમંડળની ગતિવિધિ ગ્રહો વચ્ચેની જગ્યાને કેવી રીતે અસર કરે છે તે વિશે જાણવામાં મદદ કરશે. આદિત્ય L1 પેલોડ્સથી સૂર્યના વિવિધ પાસાઓ વિશે નિર્ણાયક માહિતી મળવાની શક્યતા છે. આદિત્ય L-1 ને લઈ જતું PSLV C 57 XL વેરિઅન્ટ છે, જેમાં વધુ પ્રમાણમાં ઇંધણ વહન કરવા માટે લાંબી સ્ટ્રેપ-ઓન મોટર્સ છે. PSLV-XL વેરિઅન્ટનો ઉપયોગ 28 સપ્ટેમ્બર 2015ના રોજ ભારતની પ્રથમ અવકાશ ખગોળશાસ્ત્ર વેધશાળા એસ્ટ્રોસેટને લોન્ચ કરવા માટે કરવામાં આવ્યો હતો.
(ફોટો – પ્રતિકાત્મક)