અમદાવાદઃ સખત પુરુષાર્થથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. વાલ્મિકી સમાજના સફાઈ કામદારના પૂત્રએ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપર હતા. દાદાની ઈચ્છા હતી કે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પાઈલટ બને. તેઓ સતત પરિવારના સભ્યોને કહેતા કે, પાર્થને ભણાવીને, યોગ્ય વાતાવરણ આપીને પાઈલટ બનવા માટે પ્રોત્સાહિત કરજો.
શહેરમાં એક શ્રમજીવી પરિવારના દીકરાએ આ સિદ્ધિ કરતા વાલ્મિકી સમાજ પણ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. પાર્થના કાકા ગિરીશભાઈએ કહ્યું કે, ‘મારા પિતા મારા મોટાભાઈને કહેતા કે, દેવું કરીને અને ઘર ગિરવે મૂકીને પણ પાર્થને ભણાવીને પાઈલોટ બનાવજે. અમે પાર્થને અનેક આર્થિક તકલીફો વેઠીને સેવન્થ ડે એડવન્ટિસ સ્કૂલમાં મૂક્યો. અહીં ધોરણ 1થી 12માં પાઈલોટ બનવા માટે જરુરી તમામ બાબતોનું ડેવલપમેન્ટ થયું. તે પછીથી તેણે પાઈલોટ બનવા માટેનું શિક્ષણ પણ મેળવ્યું અને કોમર્શિયલ પાઈલટ બની ગયો.
આ અંગે પાર્થ ગણેશે કહ્યું, ‘બેંગલોરમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મદુરાઈની કામરાજ યુનિવર્સિટીમાંથી બીએએસી (મેથ્સ વિષય)ની ડીગ્રી મેળવી. તે પછી અમદાવાદમાં એવિએશન એન્ડ એરોનોટિક્સ ફ્લાઈંગ સ્કૂલમાં ફ્લાઈંગ માટેની તાલીમ મેળવી. તે પછીથી હૈદરાબાદની એવિએશન સ્કૂલમાંથી પાઈલોટ બનવા માટેની ટ્રેનિગ લીધી અને 200 કલાકનો ફ્લાઈંગ અનુભવ મેળવ્યો. તેણે આ સિદ્ધિ માટે ચીફ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર કેપ્ટન મમથા, કેપ્ટન હરિકૃષ્ણ સાધુ, કેપ્ટન આર.એન. સિંઘ અને રાજ્ય સરકારના જોઈન્ટ ડાયરેક્ટર એસસી, એસટી વિભાગના નયનાબેન શ્રીમાળીનો આભાર માન્યો હતો.
સામાજિક અને આર્થિક રીતે સક્ષમ ન મનાતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશની સિદ્ધિ સામાજિક અને આર્થિક રીતે ઉન્નત ન હોય તેવા વર્ગના, મોટા સપનાઓ જોતા યુવાનો માટે પ્રેરણાદાયક બાબત છે. જો દિલમાં કંઈક કરી બતાવવા માટેની ધગશ હોય, હિંમત હોય, પ્રચંડ પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો તમે પણ પાર્થની જેમાં આકાશમાં ઉડી શકો છો .
(Photo-Social Media)