Site icon Revoi.in

ભાવનગર શહેર – જિલ્લાના શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજ્યો

Social Share

ભાવનગરઃ શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં શિવજીના મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા. દેવાધિદેવ મહાદેવની ભક્તિ-ઉપાસનાનું શ્રાવણ મહિનામાં વિશેષ મહાત્મ્ય છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. એક માસ સુધી ચોમેર ધર્મ-આસ્થાનો ભવ્ય માહોલ જોવા મળશે. શ્રાવણ માસનાં પ્રારંભ સાથે શ્રધ્ધાળુઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ વખતે 77 વર્ષે અનોખો સંયોગ આવ્યો છે. આ વર્ષે શ્રાવણ માસનો પ્રારંભ સોમવારથી થયો છે. જ્યારે શ્રાવણ મહિનામાં છેલ્લો દિવસ પણ સોમવાર છે.

ભાવનગર શહેર અને જિલ્લાના ગોપનાથ મહાદેવ, ગૌતમેશ્ર્વર મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ સહિતના તમામ મંદિરોમાં સવારથી દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. હજારો શિવભક્તો ભોળા ભાવે ભગવાન ભોળાનાથને ભજી પોતાની જાતને ધન્ય કરે છે. પવિત્ર શ્રાવણ માસના આરંભ સાથે શહેર-જિલ્લામાં આવેલા નામી અનામી શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિર, તખ્તેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોને સુંદર રોશનીથી ઝળહળતા, શણગાર કરવામાં આવ્યાં હતાં.

ભાવનગર જિલ્લામાં આવેલા પ્રખ્યાત શિવાલયો જેમાં તળાજા તાલુકામાં સાગરતટે આવેલા ગોપનાથ મહાદેવ, સિહોર ડુંગર માળમા બિરાજતા ગૌતમેશ્ર્વર મહાદેવ શહેરમાં આવેલા જશોનાથ મહાદેવ, ભીડભંજન, નારેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં આ શ્રાવણ માસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રણ પ્રહરની મહાપૂજા સવાલાખ બિલીપત્રનો અભિષેક અખંડ શિવપંચાક્ષર જાપ મહામંત્રના અખંડજાપ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે