અમદાવાદઃ રાજ્યભરમાં આજે શિવરાત્રીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયુ હતું. તમામા મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની દર્શન માટે લાઈનો જોવા મળી હતી. અમદાવાદમાં તમામ શિવ મંદિરોમાં પૂજા, હોમ-હવનના કાર્યક્રમો યોજાયા હતા. સુરત, વડોદરા ભાવનગર, જામનગર, હિંમતનગર, પાલનપુર, વલસાડ સહિત તમામ નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં શિવ મંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા હતા.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મહાશિવરાત્રી પર્વની ધર્મોલ્લાસ સાથે ઊજવણી થઇ હતી. ગામેગામના શિવલયોમાં હર હર મહાદેવ, ૐ નમ: શિવાયનો નાદ ગુંજી ઊઠ્યા હતા. આજે વહેલી સવારથી જ શિવભકતોએ મંદિરોમાં જઇને શિવલીંગ પર જલાભિષેક કરીને શિવ આરાધના કરી હતી. મહાશિવરાત્રીનું અનન્ય મહાત્મ્ય છે. આ દિવસે શિવ આરાધના કરવામાં આવે છે. આજે ચાર પ્રહર પૂજા, અભિષેક, પૂજન અર્ચન, સત્સંગ, ભાંગ પ્રસાદ, ફરાળ વિતરણ, બટુક ભોજન, સંતવાણી, શોભાયાત્રા વગેરેના આયોજનો થયા છે.
રાજકોટમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. તે સિવાય રાજકોટના સુપ્રસિધ્ધ શિવાયો રામનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, ધારેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ વગેરે મંદિરોમાં વહેલી સવારથી જ ભકતોની ભીડ જોવા મળી રહી છે.
પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ઊજવણી ભારે ઉલ્લાસથી કરવામાં આવી હતી.દાદાનાદર્શન માટે માનવ મહાસાગર ઉમટ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા પણ દર્શનાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહાશિવરાત્રીના દિને દરેક યાત્રીકો માટે નિ:શૂલ્ક ફરાળ-પ્રસાદીનું આયોજન સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ ચિત્ર પ્રદર્શન, અખિલ ભારતીય વંશાવલી સરક્ષણ સર્વધન સંસ્થા સહિતના સ્ટોલો શરૂ કરાયા હતા.
યાત્રાધામ દ્વારકા નજીક આવેલ દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રિના હરી અને હરનાં ભક્તોનો મેળાવડો જામ્યો હતો. દ્વારકાના નાગેશ્વર જ્યોતર્લિંગ ખાતે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવને અર્પણ કરવા દૂધ અને જલથી અભિષેક કરી બિલીપત્ર ચડાવી શિવને પ્રશન્ન કરવા મોટી લાઈનો લગાવી હતી.
જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે મંગળવારે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મંદિરના પુજારી હસુભાઈ જોષી દ્વારા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ઘેલા સોમનાથ મહાદેવને મહાકાળને અનુપમ શણગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શણગારના હજારો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.