Site icon Revoi.in

અમદાવાદમાં બનવા જઈ રહેલા સ્પોર્ટ્સ સંકુલની આ છે વિશેષતા

Social Share

અમદાવાદઃ શહેરના મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સ્ટેડિયમ નજીક જ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકુલમાં બાસ્કેટબોલ, ટેનિસ સહિતની 20થી વધારે ઓલ્મપીક રમતોની સગવડ ઉભી કરવામાં આવશે. એટલું જ નહીં હોકીના સ્ટેડિયમનું નામ મેજર ધ્યાનચંદજીના નામ પરથી રાખવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં 50 હજારની બેઠક ક્ષમતાવાળુ એથ્લેટિક-ફુટબોલ સ્ટેડિયમ, 15 હજારની બેઠક ક્ષમતાવાળુ હોકિ સ્ટેડિયમ, 10થી 12 હજાર બેઠકો ઘરાવતુ ઇન્ડોર એરેના, 4 લાખ ચોરસ મીટરનું ઇન્ડોર સ્પોર્ટસ સેન્ટર, 1.20 લાખ ચોરસ મીટરનું ઇન્ડોર એક્વેટિક સેન્ટર, 5 હજાર બેઠકો ધરાવતુ રગ્બી, ફુટબોલ વગેરે માટેના મેદાન, 5 હજાર બેઠકો ધરાવતુ સાયકલીંગ માટેનું હેલોડ્રોમ, 5 હજાર બેઠકો ધરાવતુ ટેનિસ સ્ટેડિયમ અને 12 વધારાના ટેનિસ સ્પોર્ટસ, બેડમીંટન , ટેબલ ટેનીસ, બોક્સિંગ અને તલવાર બાજી વગેરે માટે ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ, ખેલાડીઓ માટે 3 હજાર જેટલા એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવશે.

આ સંકુલમાં વિવિધ કોચના રહેવા માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલમાં 12 હજાર જેટલી કાર અને 35000 જેટલા ટુ-વ્હીલર વાહનોના પાર્કિંગની પણ સુવિધા ઉભી કરવામાં આવશે. આમ 233 એકરમાં આખુ સ્પોર્ટ્સ એન્કલેવ ફેલાયેલું હશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત માટેની સુવિધાઓ અમદાવાદમાં ઉભી કરવામાં આવશે. અહીં તમામ સ્ટેડિયમના નામ વિવિધ ખેલાડીઓના નામ પરથી રાખવામાં આવશે. નારણપુરામાં બનનારા સ્ટેડિયમમાં 33 જેટલા એથલેટીક રમત, ટેનીસ સ્ટેડિયમ, સ્વિમીંગ પુલ, 6 હજાર જેટલા વાહનોના પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.