ગુજરાત યુનિ.ના બોટની વિભાગમાંથી ઉત્તરવહીઓ ગાયબ થતાં રાજ્ય સરકારે માગ્યો રિપોર્ટ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી બીએસસી નર્સિંગ પરીક્ષાની ઉત્તર વહીઓ ગુમ થવાના બનાવમાં યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહી સામે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ બનાવમાં યુનિવર્સિટી પાસે રિપોર્ટ માગ્યો છે. બીજી બાજુ યુનિવર્સિટીએ બે સિક્યુરિટી ગાર્ડની બદલી કરીને કોર્ડીનેટરને કમિટીમાં રવાના કરી દીધા છે. પરંતુ 29 ઉત્તરવહીઓ કોણ ચોરી ગયું. સીસીટીવી કેમેરા કેમ બંધ કરી દેવાયા હતા. તે અગે પણ પ્રશ્નો ઊભા થયા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષા બાદ બોટની વિભાગમાંથી 29 ઉત્તરવહીઓ ગાયબ થતા કોંગ્રેસ અને એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારે હવે રાજ્ય સરકારે આ મામલે નોંધ લીધી છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસે રિપોર્ટ માંગ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ આ મામલે પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. આ મામાલે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો પરીક્ષા કૌભાંડમાં વિદ્યાર્થીઓને પાસ કરવાના અનેક કૌભાંડો ખૂલે તેમ છે.બોટની વિભાગમાંથી BSC નર્સિંગના ચોથા વર્ષની પરીક્ષાની ગાયબ થયેલી 29 ઉત્તરવહી વિદ્યાર્થીઓને પરત લખવા માટે આપી હોવાનો NSUIનો આક્ષેપ છે. આ ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે NSUI દ્વારા યુનિવર્સિટીમાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો અને આ હોબાળાના કારણે જ યુનિવર્સિટી દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બોટની વિભાગમાં સીસીટીવી કેમેરા પણ બંધ હતા તથા વિભાગના કોર્ડીનેટર પણ બહાર હતા. આમ, અનેક બેદરકારીને કારણે ઉત્તરવહી ગાયબ થઈ છે. કુલપતિ, રજિસ્ટ્રાર અને અન્ય અધિકારીઓ પણ રૂબરૂ સ્થળ પર પહોંચ્યા હતા. જો કે, આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા જ તપાસ કરવામાં આવશે.
આ મામલે રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગુજરાત યુનિવર્સિટી પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે, જેમાં સમગ્ર મામલે 2 સિક્યુરિટી કર્મચારીની બદલી કરવામાં આવી છે તથા વિભાગના કોર્ડીનેટર નૈનેશ મોદીને કમિટીમાંથી હટાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા પોલીસને જાણ કરી વિગતો આપવામાં આવી છે એટલે સમગ્ર મામલે FIR કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ગુમ થયા બાદ નવા સત્રથી લેવામાં આવનારી પરીક્ષા અંગે SOP નક્કી કરવામાં આવી છે. જે જગ્યાએ સીસીટીવી હશે ત્યાં જ હવેથી ઉત્તરવહી મૂકવામાં આવશે. યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. વિભાગના કોર્ડીનેટરને અન્ય જવાબદારી નહિ સોંપાય. આમ યુનિવર્સીટી દ્વારા નવી SOP નક્કી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન જે-તે કોર્ડીનેટરને જવાબદારી સોંપવામાં આવશે તેમને અમદાવાદ બહાર કોઈ જવાબદારી ના સ્વીકારવા સૂચના આપવામાં આવશે તેમ છતાં કોર્ડીનેટરને બહાર જવાનું થાય તો અન્યને કોર્ડીનેટરની જવાબદારી સોંપીને જવાની રહેશે.