ગોધરાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોના સશક્તિકરણ માટેના ગરીબ કલ્યાણ મેળાની 13મી કડીનો આદિજાતિ વિસ્તાર ગોધરાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે, ગરીબો, વંચિતોને સરકારી યોજનાઓના લાભ હાથોહાથ પહોંચાડી તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર તેમની પડખે ઊભી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રીનો પદભાર સંભાળતાં જ તેમના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે સરકાર ગરીબ, વંચિત, પીડિત, શોષિત, અંત્યોદય ઉત્થાનને અગ્રતા આપશે. આ વાતને ગરીબ કલ્યાણ મેળાએ સુપેરે ચરિતાર્થ કરી છે.
મુખ્યમંત્રીએ આદિજાતિ જિલ્લા પંચમહાલ-ગોધરાથી આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવતાં એકજ દિવસમાં 35,583 ઉપરાંત લાભાર્થીઓને 281 કરોડ રૂપિયાની વિવિધ સહાયનું વિતરણ કર્યુ હતું. રાજ્યના અન્ય જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. 13મી કડીના આ ગરીબ કલ્યાણ મેળાઓ તા.14 અને 15મી એમ બે દિવસ માટે 33 જિલ્લા અને 4 મહાનગરો મળી 37 સ્થળોએ આયોજન કરાયું છે.
રાજ્ય સરકારના કાર્યમંત્ર હર હાથ કો કામ, હર કામ કા સન્માનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સરકારી યોજનાઓના લાભો અને સહાય સીધેસીધા ગરીબોને હાથોહાથ આપવામાં આવી રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 12 તબક્કામાં 1567 ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી 1.65 કરોડ દરિદ્રનારાયણોને 34,596 કરોડના લાભ-સહાય હાથોહાથ પહોંચાડવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં 35,583 ઉપરાંત લાભાર્થીઓને 281 કરોડની વિવિધ સહાયનું મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંચાયત વિભાગની વિવિધ 22 જેટલી યોજનાઓને સમાવી લેતી ‘આગેકૂચ’ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી વિકાસની રાજનીતિના બે દાયકાના ફળ આપણે સૌ ચાખી રહ્યા છીએ. તેમણે ગુજરાતમાંથી ગરીબી દૂર કરવા સાથે રોજગારી આપવા અને ઉદ્યોગોના વિકાસ સાથે લોકોને ધંધારોજગાર આપવા માટેનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. દરેક ક્ષેત્રમાં વિકાસ કરીને વંચિતોને યોજનાકીય લાભો આપવાનું તેમણે શરૂ કર્યું છે. જેના ફળ આપણને આજે મળી રહ્યા છે.
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે અંત્યોદયની ભાવના સાકાર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો માર્ગ પ્રશસ્ત કરી વંચિતોને તેમને મળવાપાત્ર લાભો એક છત્ર હેઠળ આપવાની કાર્યશૈલી વિકસાવી છે અને તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આગળ વધારી છે.