અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં માત્ર 2500 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. સાથે કોરોનામાં દર્દીઓને સાજા થવાનો દર પણ વધી ગયો છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે ધોરણ 1 થી 9ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દીધું છે. હવે કરફ્યુ સહિત વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શક્યાતા છે. ગાંધીનગરમાં સરકાર દ્વારા આજે કોર ગ્રુપની બેઠક મળવાની છે, જેમાં આ અંગેના નિર્ણયો લેવાઈ શકે છે. આજે રાત સુધીમાં નવી કોવિડ SOP જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત 19 જેટલા નાના શહેરોમાં પણ રાતના દસથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં છે. જોકે, હવે નાઈટ કર્ફ્યૂ રાત્રીના 11 વાગ્યા કે પછી 12 વાગ્યાથી શરુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય, હાલ માસ્ક ના પહેરનારા પાસેથી નિયમ અનુસાર એક હજાર રુપિયાનો દંડ વસૂલવામાં આવે છે. સરકાર હાઈકોર્ટમાં રજૂઆત કરીને તેમાં પણ રાહત મળે તેવા પ્રયાસ કરે તેવી અટકળો છે.
ગુજરાતમાં હવે ઠંડીનું જોર ઘટતું જાય છે, સાથે જ કોરોનાના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સ્કૂલો અને કોલેજો પણ શરૂ કરી દેવાયા છે. આ ઉપરાંત, લગ્ન પ્રસંગમાં લોકોના ભેગા થવા પર મૂકાયેલી મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે. દેશના અન્ય કેટલાક રાજ્યોએ પણ નાઈટ કર્ફ્યૂ સહિતના નિયંત્રણો હટાવી દીધા છે ત્યારે ગુજરાતમાં પણ હવે આ અંગે આજે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જે એક્ટિવ કેસ છે તેમાંથી મોટાભાગના અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરામાં નોંધાયેલા છે. તેવામાં નાના શહેરોમાંથી નાઈટ કર્ફ્યૂ ઉઠાવી લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરુઆતમાં જ શરુ થઈ ગઈ હતી, જ્યારે ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધીમાં તેમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, કોવિડ હોસ્પિટલો પણ લગભગ ખાલી જોવા મળી રહી છે.
રાજ્યમાં હાલ જાહેરમાં માસ્ક ના પહેરનારા પાસેથી એક હજાર રુપિયા દંડ વસૂલાય છે. હાઈકોર્ટના આદેશથી સરકારે દંડની રકમ નક્કી કરીને તેના અંગેનો કાયદો બનાવ્યો છે. તેમાં છૂટછાટ આપવા માટે હાઈકોર્ટ પાસેથી મંજૂરી મેળવવી આવશ્યક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં લોકો હવે માસ્કથી કંટાળ્યા છે તેવું કહીને ફરજિયાત માસ્કના નિયમમાં કોઈ છૂટછાટ અપાય તેવો આડકતરો અંદેશો આપ્યો હતો.