Site icon Revoi.in

રાજ્ય સરકારમાં ચાર વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતા કર્મચારીઓની બદલીઓ કરશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આથી સચિવાલયના વિવિધ વિભાગો અને તેમના હસ્તકની કચેરીઓમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે અને એક જ હોદ્દા પર ફરજ બજાવતા વર્ગ-1 અને 2ના અધિકારીઓની તાત્કાલિક બદલી કરવા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરેક વિભાગના સચિવો અને ખાતાના વડાને આદેશ કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારે સરકારી વહીવટમાં પારદર્શિતા અને સ્વચ્છ છબી ઉપસાવવા માટે હવે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલ માટે કવાયત હાથ ધરી છે. અનેક વિભાગોમાં કેટલાક અધિકારીઓ લાંબા સમયથી એક જ હોદ્દા પર અને ચોક્કસ જગ્યાએ ફરજ બજાવી રહ્યા હોવાની ફરિયાદોના પગલે સીએમઓમાંથી આવેલી સૂચના બાદ વહીવટ વિભાગ દ્વારા 4 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા અધિકારીઓની યાદી વિભાગો પાસેથી મગાવાઇ હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરકારના  તમામ વિભાગના સચિવોને પત્ર લખીને આવા અધિકારીઓની તાત્કાલિક બદલી કરીને રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે. જેના પગલે સચિવાલયના વિભાગો અને ખાતાના વડાની કચેરીમાં ફેરફાર થશે. ઉલ્લેખનીય છે કે મહેસૂલ, ગૃહ, ઉદ્યોગ, સામાન્ય વહીવટ, શહેરી વિકાસ સહિતના મહત્વના વિભાગોમાં મહત્વની બ્રાન્ચમાં અનેક અધિકારીઓ ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. કેટલાક અધિકારીઓ તો નિવૃત્ત થયા બાદ પણ તે જ જગ્યાએ કરાર આધારિત નિમણૂક થઈ છે. આ તમામ અધિકારીઓની બદલી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ જગ્યાએ ફરજ નિભાવતા અધિકારીઓ સ્થાપિત હિત ધરાવતા હોવાની ફરિયાદોને પગલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સૂચના આપીને 4 વર્ષ કે તેથી વધુ સમયથી પોસ્ટિંગ અધિકારીઓની યાદી મગાવાઈ હતી.