રાજકોટઃ રાજ્યમાં ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને કારણે શિયાળામાં રવિપાકનું બમ્પર વાવેતર થયું હતું. જેમાં ઘઉંનું પણ વાવેતર સારા પ્રમાણમાં થયું હતું. એટલે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન રેકર્ડબ્રેક કરશે. ત્યારે ખેડુતોને ઘઉંના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે બે લાખ ઘઉં ખરીદવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ કરવામાં આવી છે. દરમિયાન હવે સમગ્ર રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો તખ્તો રાજ્યનાં પુરવઠા વિભાગે ઘડી કાઢયો છે અને આગામી એપ્રિલ માસથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરુ કરવામાં આવશે. તેમજ ઘઉંની ખરીદી અંગેનું રજીસ્ટ્રેશનની કાર્યવાહી આવતા માર્ચ મહિનાની શરૂઆતથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાંથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી આગામી તા. 1 એપ્રિલથી શરુ કરવામાં આવનાર છે અને ટેકાના ભાવે ઘઉંની આ ખરીદી 75 દિવસ સુધી ચાલશે. ટેકાના ભાવે ઘઉં વેચવા માટે સમગ્ર રાજ્યનાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન આગામી તા. 2 માર્ચથી શરુ કરવામાં આવશે. અને આ રજીસ્ટ્રેશન તા.31 માર્ચ સુધી ચાલશે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, ટેકાના ભાવે ઘઉં વેચવા માગતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે જે તે જિલ્લા મથક સુધી આવવું નહીં પડે તેના બદલે તેના ગામમાંથી જ રજીસ્ટ્રેશન થઇ શકશે.
પુરવઠા તંત્રના સુત્રોના જણાવ્યા મુજબ, ટેકાના ભાવે ઘઉં વેચવા માગતા ખેડૂતો તેનું રજીસ્ટ્રેશન તેની ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પાસે કરાવી શકશે. રજીસ્ટ્રેશન વખતે ખેડૂતોને 7/12 અને 8-અના દાખલા, પાસબુકની નકલ, આધારકાર્ડ અને વાવેતરનો દાખલો આપવાનો રહેશે. આ ચાર દસ્તાવેજો આપ્યા બાદ ખેડૂતોનું તેના ગામમાં જ રજીસ્ટ્રેશન થઇ જશે. વધુમાં પુરવઠા તંત્રના સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો બે લાખ ટનનો ટારગેટ રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પુરવઠા તંત્ર દ્વારા 50 હજારથી વધુ ખેડૂતો પાસેથી ખરીદીનો લક્ષ્યાંક રખાયો છે. દરમિયાન, ચાલુ વર્ષે ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ઘઉંનો એક ક્વિન્ટલનો ટેકાનો ભાવ રુા. 2015 રાખવામાં આવેલ છે જ્યારે ખેડૂતોને મણ દીઠ રુા. 403 આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાંથી 35 હજાર જેટલા ખેડૂતો પાસેથી 1.70 લાખ ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવેલ હતી. જો કે, ચાલુ વર્ષે આ લક્ષ્યાંકમાં વધારો કરાયો છે. ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વચવા માટે જે તે પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાં પણ નોંધણી કરાવી શકશે અને નોંધણી થઇ ગયા બાદ ખેડૂતોએ પોતાનો માલ લઇ રાજ્યના જે તે તાલુકા મથકે આવેલા 235 જેટલા નિગમના ગોડાઉનમાં માલ લઇને પહોંચાડવાનો રહેશે. પુરવઠા તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ખાસ જણાવેલ હતું કે ટેકાના ભાવે ઘઉં વેચવા માગતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન તદન વિનામૂલ્યે થશે. આથી, કોઇ ખેડૂતોએ કોઇને કોઇ પૈસા આપવા નહીં.