- ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારાઓને 3 લાખની સહાય
- તેલંગણા સરકાર આપશે સહાય
હૈદરાબાદઃ- છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું જેમાં ઘણા ખેડૂતોએ પોતાના જીવ ગુમાવ્યા છે,ત્યારે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિપક્ષના વડા અને મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવે શનિવારે સાંજે ખેડૂતોના આંદોલન દરમિયાન પોતાનો જીવનું બલિદાન આપનારા ખેડૂતોના પરિવારોને શ્રદ્ધાંજલિ આપવાની જાહેરાત સાથે જ ત્રણ લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી છે અને ખેડૂતોના શોકગ્રસ્ત પરિવારોને 25 લાખ રૂપિયાની સહાય કરે તેની કેન્દ્ર સરકારને માંગ કરી છે.
હૈદરાબાદમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી કેસીઆર રાવે કહ્યું કે સરકારે આ માનવતાવાદી કાર્ય માટે 22 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને ખેડૂતોના આંદોલનના નેતાઓને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોની વિગતો મોકલવા વિનંતી કરી છે. કૃષિ કાયદા વિરોધી આંદોલન દરમિયાન 700 થી વધુ ખેડૂતો માર્યા ગયા હતા.
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓની જીત બદલ ખેડૂતોને અભિનંદન આપતાં મુખ્ય મંત્રી રાવે કેન્દ્ર સરકારને ખેડૂતો અને ખેડૂતોના આંદોલન દરમિયાન ખેડૂતોને સમર્થન આપનારાઓ સામે નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવાની પણ માંગ કરી હતી.
આ સાથે જ તેમણે દેશના ખેડૂતોના હિત માટે આગામી સંસદ સત્રમાં લઘુત્તમ ટેકાના ભાવ અંગે બિલ અને કાયદો લાવવાની અને ભારતીય ખાદ્ય નિગમ દ્વારા અગાઉથી વાર્ષિક પ્રાપ્તિ નીતિ અમલમાં મૂકવાની માગણી કરી હતી