Site icon Revoi.in

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે

Social Share

ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રવિ પાકની ખરીદી કરશે.

ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ. ૨૨૭૫, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૨૫૦૦, જુવાર (હાઈબ્રીડ) માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૩૧૮૦, જુવાર (માલદંડી) માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૩૨૨૫, મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૨૦૯૦, લઘુત્તમ ટેકાનો ભાવ નક્કી કરાયા છે. આ સાથે ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવાર ની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦/- બોનસ જાહેર કરવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડુતોએ રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતો દ્વારા તા.૨૬/૦૨/૨૦૨૪ થી ૩૧/૦૩/૨૦૨૪ ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. પાકની ખરીદીનો સમયગાળો તા.૧૫/૦૩/૨૦૨૪ થી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે. જ્યાં ગુજરાતના કુલ ૧૯૬ ખરીદકેન્દ્રો/ગોડાઉનો પરથી ખરીદી કરવામાં આવશે.

ખેડુતોએ પાકના વેચાણ માટે નોંધણી કરાવા માટે આધારકાર્ડની નકલ, ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની અધતન નકલ, ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અધ્યતન દાખલો અને ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા મહત્વના આધાર પુરાવા રજુ કરવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.