Site icon Revoi.in

રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરુ કરશે

Social Share

અમદાવાદઃ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આગામી તા. 10મી માર્ચથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. બીજી તરફ સરકારે પણ ખરીદી માટે કેન્દ્રો નક્કી કર્યાં છે.

કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રી  રાઘવજીભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગર ખાતે ટેકાના ભાવે ઉત્‍પાદકોની ખરીદી અંગે ઉચ્‍ચસ્‍તરીય બેઠક યોજાઈ હતી. આગામી 10મી માર્ચના રોજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થવાની છે. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વાવેતર વિસ્‍તારના પ્રમાણમાં ખેડૂત દીઠ 2500 કિ.ગ્રા. એટલે કે, 125 મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ખરીદેલા જથ્‍થાના ચૂકવણા પણ ઝડપથી થાય તે માટે રાજય સરકાર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્‍યું છે. ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વાવેતર વિસ્‍તાર અને ઉત્‍પાદનને ધ્‍યાને રાખીને રાજયમાં તુવેર માટે 135, ચણા માટે 187 અને રાયડા માટે 103 ખરીદ કેન્‍દ્રો નક્કી કરવામાં આવ્‍યા છે. રાજયમાં ટેકાના ભાવે ખરીદી કરવા તુવેર માટે 5550, ચણા માટે 2.20 લાખ અને રાયડા માટે 10164 ખેડૂતોએ નોંધણી કરાવી છે.

ચાલુ વર્ષે કેન્‍દ્ર સરકાર દ્વારા તુવેર માટે રૂ. 6600 પ્રતિ ક્‍વિ., ચણા માટે રૂ. 5335 પ્રતિ ક્‍વિ. અને રાયડા માટે રૂ. 5450પ્રતિ ક્‍વિ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત રાજયમાં ટેકાના ભાવે ખરીદી માટે કેન્‍દ્ર સરકારે પી.એસ.એસ. હેઠળ તુવેર માટે 1 લાખ, ચણા માટે 3.88 લાખ અને રાયડા માટે 1.25 લાખ મેટ્રિક ટન જથ્‍થો મંજૂર કર્યો છે.