રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો લગભગ 20 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ અષાઢી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તેમજ અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ભરી વળ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. દરમિયાન ચાલુ જૂન મહિનામાં લગભગ ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ત્યાર સુધીમાં લગભગ 22 ટકા જેટલો વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ પાંચેક દિવસ પહેલા જ થયો છે. જો કે, બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. અત્યાર સુધીમાં કચ્છમાં મોસમના કુલ વરસાદ પૈકી 77 ટકા અને સૌરાષ્ટ્રમાં 33 ટકા, ઉત્તર ગુજરાતમાં 25 ટકા, મધ્ય ગુજરાતમાં 14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 23 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યના 14 તાલુકામાં 2 ઈંચ, 74 તાલુકામાં 3થી 5 ઈંચ, 63 તાલુકામાં 10થી 20 ઈંચ અને 9 તાલુકામાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યાનું જાણવા મળે છે. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સતત વરસાદને કારણે જળાશયોમાં પણ નવા પાણીની સતત આવક થઈ રહી છે.