Site icon Revoi.in

ભાવનગરથી વલ્લભીપુરનો સ્ટેટ હાઈવે વાહનચાલકો માટે બન્યો માથાના દુઃખાવારૂપ

Social Share

ભાવનગરઃ વલ્લભીપુરથી ભાવનગર સુધીનો સ્ટેટહાઈવે વાહનચાલકો માટે માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. હાઈવે પર ચારથી પાંચ સ્થળોએ પુલોના કામ  વર્ષોથી ચાલી રહ્યા છે. અને તેના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. કોઝવે પર પાણી ભરાઈ જતા જ વાહન વ્યવહાર થંભી જાય છે. વલ્લભીપુરથી ભાવનગર સુધીમાં હાઈવે પર 5 જેટલા કોઝવે આવે છે. કોઝવે પર પાણી ભરાતા વાહનોને ધોળા, શિહોર પરથી દોડાવવાની ફરજ પડી રહી છે.

વલભીપુરથી જિલ્લા મથક ભાવનગર જવા માટે રાજય ધોરી માર્ગ નંબર-36 થી જોડાયેલો છે. અને આ હાઇવે પર પાંચથી છ જેટલી નાની મોટી નદીઓ અને વોકળા આવે છે. અને નદી વોકળા ઉપર કોઝવે બેઠા પુલ છે. હાલમાં મેઘરાજાએ ઘમરોળી નાખવા સાથે હાઇવે સાથે નદીઓના પુલ, નાળા સહિતનું ધોવાણ થઇ જવાની સાથે પુલો, કોઝવે ઉપર મસમોટા ખાડાઓથી ભારે નુકશાન પહોંચેલ છે અને તેને કારણે વાહન ચાલકોને હાઇવેની કંઇ તરફ વાહન ચલાવવું તેની સમજણ પડતી નથી. આ પરિસ્થિતિ છેક ભાવનગર સુધીની છે, પરંતુ વલભીપુરથી ભાવનગર વચ્ચે આવતા દરેડીયો, રંઘોળી, કાળુભાર, ખારીયો, નાજાનાલા સહિત આશરે પાંચ થી છ જેટલા મધ્યમ ,નાના પુલ અને કોઝવે આવે છે. અને આ પુલ-કોઝવે અને બેઠા નાળાઓનાં કારણે નદીમાં આવતા પુરને લીધે વાહન વ્યવહાર ઠપ્પ થઇ જાય છે જેથી વાયા રંઘોળા, સણોસરા શિહોર થઇને ભાવનગર પહોંચવું પડે છે જેના કારણે ઈંધણ,સમયનો વધુ વ્યય થાય છે. વર્ષોથી આ સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી ત્યારે તંત્ર ઝડપી કાર્યવાહી કરે તે જરૂરી છે.

હતા ચોમાસામાં એક વખત ચમારડી પાસે કાળુભાર નદીમાં પાણી આવતા નાના પુલ પર પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહાર લાંબો સમય બંધ રહ્યો હતો અને આજથી 2008ની સાલ આ તમામ નાના-મોટા પુલ અને કોઝવેને ઉંચા કરવાની વાતો થઇ હતી અને નવા પુલોનું કામ શરૂ થયાને પાંચ વર્ષ થશે પરંતુ એક પણ પુલનું કામ પૂર્ણ થયું નથી અને તસ્સુભાર આગળ ચાલતું નથી.