અમદાવાદઃ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બીજી અને ત્રીજી ઓગસ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ 29 ટકા વરસાદની ઘટ છે. આજે રવિવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 68 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યાહતા. તેમજ આજે સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુરાતના 30થી વધુ તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને હજુ પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. વરસાદ થતા પાકને હાલ તો જીવતદાન મળી ગયું છે. પરંતુ અષાઢ મહિનો પૂર્ણ થવા આડે એક અઠવાડિયું જ બાકી હોવા છતાં નદી- તળાવો છલકાવાના બાકી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને મોટાભાગે અષાઢ મહિનામાં અનરાધાર વરસાદની આશા હોય છે. અષાઢમાં ધોધમાર વરસાદથી નાના-મોટા સ્થાનિક જળાશયો છલકાઇ જતાં હોય છે. પરંતુ આ વર્ષે અડધો અષાઢ કોરો રહ્યા બાદ મેઘમહેર થઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદ થતાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે પરંતુ તેમ છતાં હજુ મોટાભાગના ગામડાંઓની સ્થાનિક નદીઓમાં પૂર નથી આવ્યાં. નાના-મોટા તળાવ- સરોવરો ખાલી છે. જેથી ધરતીપુત્રો ચિંતામાં છે.
રવિવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસ કરતાં 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહિસાગર, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યના 18 તાલુકામાં અત્યારસુધીમાં માત્ર 50 ટકાથી વધુ વરસાદ થયો છે, જ્યારે 9 તાલુકા એવા છે, જેમાં 9 ટકાથી ઓછો વરસાદ થયો છે.