જુનાગઢઃ ગુજરાતનો રાજ્યકક્ષાનો પ્રજાસતાક પર્વ 26મી જાન્યુઆરીએ જુનાગઢ ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વના રાજ્ય મહોત્સવના કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લાની વિવિધ કચેરીઓના મુખ્ય અધિકારીઓની મીટીંગ કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી તેમજ 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 26 જાન્યુઆરી-2024 ના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણા વસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાની વિવિધ કચેરીઓના મુખ્ય અધિકારીઓની મીટીંગ કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં રાજ્યકક્ષાના આ કાર્યક્રમને લઈને ઉજવણીના સંભવિત સ્થળો, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમો, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન થાય અને મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં સહભાગી બને, વિવિધ કાર્યક્રમો નિહાળે તે માટે ચર્ચા વિચારણા અને આયોજનની રૂપરેખા ઘડવામાં આવી હતી.
જિલ્લા કલેકટરે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ કેટલીક સુચનાઓ આપી હતી. શહેરના નાગરિકા પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ પરેડ સહિતના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી.