અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડિંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. નવા બિલ્ડીંગ બન્યા બાદ રોજના એક હજાર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. આરટીઓની ડિઝાઈન એરપોર્ટ સ્ટાઇલથી બનાવાઈ છે અને બિલ્ડિંગ સેન્ટ્રલી એસી રહેશે. રાજ્યની આરટીઓ કચેરીઓમાં સૌથી વ્યસ્ત અમદાવાદની સુભાષબ્રીજ કચેરીનો સમાવેશ થાય છે. અને કામનું ભારણ પણ ખૂબજ રહે છે. સાથે અરજદારોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે રીતનું અદ્યત્તન બિલ્ડિંગ બનાવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ આરટીઓનું સુભાષ બ્રીજ વિસ્તારમાં કલેક્ટર કચેરીની બાજુમાં આવેલું બિલ્ડિંગ જર્જરિત થતાં હાલ આરટીઓ કચેરી ભાડાંના મકાનમાં બેસે છે, હવે આરટીઓનું જુનુ બિલ્ડિંગ પાડીને તે જગ્યા પર અદ્યત્તન બિલ્ડિંગ બનાવાશે.આરટીઓનું નવું ચાર માળનું બિલ્ડિંગ આગામી 11 માસમાં તૈયાર થઈ જશે. બિલ્ડિંગમાં વાહન અને લાઇસન્સ સંબંધિત કામ માટે અલગ અલગ વિભાગો, અરજદારો-કર્મચારીઓ માટે બે દરવાજા અને દરવાજે સાઇન બોર્ડ મુકાશે. બિલ્ડિંગના વેઇટિંગ એરિયામાં 600 લોકો બેસી શકે તેવી સુવિધા, વિવિધ સેવાના કાઉન્ટર અને સર્વિસની સુવિધા પણ હશે. બિલ્ડિંગના પ્રાંગણમાં 350 ટુવ્હીલર અને 250 કાર પાર્કિંગની સુવિધા રહેશે. આરટીઓનો સમગ્ર વિસ્તાર સીસીટીવીથી સજ્જ રહેશે. બિલ્ડિંગનું વીજબિલ ઘટાડવા સોલાર સિસ્ટમનો ઉપયોગ કરાશે. આરટીઓ અધિકારીએ કહ્યું કે, બિલ્ડિંગ બન્યા બાદ તે વખતની સ્થિતિને ધ્યાને રાખીને સુધારા-વધારા કરાશે. નવી આરટીઓમાં વાહનના ત્રણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. ત્રણેય ટેસ્ટ ટ્રેક સેન્સરબેઝ ઓટોમેટિક હશે. લોકોને ઝડપથી એપોઇન્ટમેન્ટ મળી જશે. હાલ દોઢ-બે માસ વેઇટિંગનો સમય છે. આ સુવિધા પછી તે વેઇટિંગ સમય પણ ઘટી જશે.