અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત થશે
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતના યાત્રાધામ સોમનાથ ખાતે પણ અત્યાધુનિક સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે.
રેલવે સ્ટેશનોને માત્ર સેવાના એક સાધન રૂપે જ નહીં, પણ એક મિલકત તરીકે પરિવર્તિત કરવાનો અને વિકસાવવાનો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અનુસાર ભારતીય રેલવેએ દેશભરમાં 204 સ્ટેશનોની પુન:વિકાસ માટે પસંદગી કરી છે, જેમાંથી 3 સ્ટેશનોના પુન:વિકાસની કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે 43 સ્ટેશનોનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે, જેથી રેલવેના સામાન્ય યાત્રીઓને આરામદાયક, સુવિધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઈ શકે.
ગુજરાતમાં આવેલ પશ્ચિમ રેલવેના ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ભારતીય રેલવે પ્રથમ એવું સ્ટેશન છે, જેને વિશ્વસ્તરીય સ્ટેશન રૂપે પુન:વિકસિત કરવામાં આવ્યું છે અને બીજા બે સ્ટેશન મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે રાની કમલાપતિ અને કર્ણાટકના બેંગ્લુરુમાં સર. એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ છે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ સ્ટેશનો એટલે કે સોમનાથ, સુરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુન:વિકાસનું કામ ચાલી રહ્યું છે.